વરસોલામાં બે પરિવારો વચ્ચે મારામારી, પાંચને ઈજા

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
વરસોલામાં બે પરિવારો વચ્ચે મારામારી, પાંચને ઈજા 1 - image


નજીવી બાબતે મામલો બિચક્યો

લાકડી અને ધારિયાથી હુમલો કરનાર સરપંચ સહિત ૧૨ શખ્સો સામે ફરિયાદ

નડિયાદ: મહેમદાવાદ તાલુકાના વરસોલામાં બુધવારે રાત્રે બે પરિવારો વચ્ચે નજીવી બાબતે મારામારી થઈ હતી. જેમાં પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અંગે મહેમદાવાદ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે લાકડી અને ધારિયાથી હુમલો કરનાર સરપંચ સહિત કુલ ૧૨ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

વરસોલામાં રહેતા સાબીરખાન પીરૂખાન પઠાણ મદ્રાસા ખાતે ગયા હતા. જ્યાં બાજુમાં રહેતા અજરૂદ્દીન અપશબ્દો બોલતો હતો. જેથી સાબીરમિયા, તેમના કાકા શમશેરખાન પઠાણ અને બહેન અફસાનાબાનું શેખ તેના ઘરે ઠપકો આપવા જતા હતા. દરમિયાન રાત્રે ૧૦ વાગ્યે ઈમરાન બિસ્મિલ્લા મલેક અને અબ્બાસ ઉર્ફે ઢોલો મલેકે અપશબ્દો બોલી લાકડી અને ધારિયાથી શમશેરખાન અને અફસાનાબાનું પર હુમલો કર્યો હતો. 

જેમાં વચ્ચે પડેલા સાબીરમિયાને માથામાં ધારિયું માર્યું હતું. બાદમાં પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા. જ્યારે ત્રણેય ઈજાગ્રસ્તોને નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 

આ અંગે સાબીરખાનની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે અજરૂદ્દીન જહીરમિયા, ઈમરાનમિયા બિસ્મિલ્લામિયા મલેક, હનીફ ઉસ્માન મલેક, બિસ્મિલ્લા કરીમમિયા, અબ્બાસ મલેક તથા જહિરમિયા બચુમિયા મલેક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. 

જ્યારે સામાપક્ષે જહીરૂદ્દીન નિઝામુદ્દીન મલેકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. ૧૯ જૂનની રાત્રે તેઓ ઘરે ક્રિકેટ જોતા હતા. ત્યારે ઘર સામે મદ્રેસામાં શાહનવાજ ભાણો, સાહિલ ભાણો, રોહનખાન મહેબૂબખાન વાસણો મુકવા ટ્રેક્ટર લઈને બુમાબુમ કરતા આવ્યા હતા. 

જેથી તેમણે, બુમાબુમ કેમ કરો છો, કહેતા સાબીરખાન પઠાણ, મુનીરખાન પઠાણ તથા મહેબૂબખાન પીરુખાન પઠાણે હથિયારો વડે હુમલો કરતા જહીરૂદ્દીન મલેક અને તેમની બહેન ફરજાનાબાનુ પઠાણને ઈજા થઈ હતી. 

બાદમાં સાબીરખાન અને તેના માણસો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા.  આ અંગે જહીરૂદ્દીનની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે શાબીર પીરુખાન પઠાણ, મુનીરખાન સમશેરખાન, મહેબૂબ પીરુખાન પઠાણ સરપંચ, શાહનવાજ ભાણો, સાહિલ ભાણો તથા રોહનખાન મહેબૂબખાન પઠાણ સામે ગુનો નોંધ્યો હતો. 


Google NewsGoogle News