રેલવે પોલીસની LCB ઓફિસમાં PSI અને કોન્સ્ટેબલ વચ્ચે ઉગ્ર ઝપાઝપી
ગુના ડિટેક્શનમાં ઇનામ વિતરણપત્રકમાં નામ મુદ્દે ઝઘડા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો ઃ ડીવાયએસપીને તપાસ
વડોદરા, તા.18 વડોદરા રેલવે પોલીસના કોઠી વિસ્તારમાં આવેલા મુખ્ય મથકની એલસીબી ઓફિસમાં એક પીએસઆઇ અને કોન્સ્ટેબલ વચ્ચે ગુના ડિટેક્શનના ઇનામ મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થતાં સમગ્ર રેલવે પોલીસમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
આ અંગેની વિગત એવી છે કે એક સપ્તાહ પહેલાં રેલવે પોલીસની કોઠી કચેરીના પહેલા માળે આવેલી એલસીબીની કચેરીમાં એક હેડ કોન્સ્ટેબલ પોતાના ટેબલ પર બેસી ગુનાના ડિટેક્શનમાં પોલીસને મદદરૃપ થાય તેવી કામગીરી કરતો હતો તે સમયે અચાનક રેલવે પોલીસના મુખ્ય મથકની એક બ્રાંચમાં ઇન્ચાર્જ પીઆઇ તરીકે કામ કરતા એક વિવાદાસ્પદ પીએસઆઇ એલસીબીની ઓફિસમાં આવ્યા હતાં.
આ વખતે હેડ કોન્સ્ટેબલે ઇન્ચાર્જ પીઆઇને સાહેબ તમે ગુના ડિટેક્શનમાં મારુ પણ યોગદાન હોવા છતાં ઇનામ વિતરણ પત્રકમાં મારુ નામ કેમ ના લખ્યું તેમ કહેતાં ઇન્ચાર્જ પીઆઇએ તું મને કોણ કહેવાવાળો તેમ કહેતાં હેડ કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ પીઆઇ વચ્ચે એલસીબી ઓફિસમાં જ ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ ઝઘડો એટલો બધો ઉગ્ર બની ગયો કે ઓફિસમાં જ બંને વચ્ચે ઝપાઝપી શરૃ થઇ ગઇ હતી જો કે અન્ય કર્મચારીઓએ વચ્ચે પડીને બંનેને છૂટા પાડયા હતાં.
આ ઘટનાની ચર્ચા સમગ્ર રેલવે પોલીસમાં થવા લાગી હતી અને પીએસઆઇ તેમજ હેડ કોન્સ્ટેબલ બંનેએ રેલવે પોલીસવડાને પોતાનો રિપોર્ટ આપતા એસપીએ સમગ્ર બનાવની તપાસ રેલવેના ડીવાયએસપીને સોંપી હતી. ડીવાયએસપી દ્વારા રેલવે એલસીબી ઓફિસમાં થયેલી બબાલ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જેમાં એવું જાણવા મળ્યું હતું કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી પરંતુ ઝપાઝપી થઇ હોય તેવું ફલીત થતું નથી.