વડોદરા-હાલોલ રોડ પર જરોદ નજીક લાકડાંના પીઠામાં ભીષણ આગઃ7 ફાયર એન્જિન કામે લાગ્યા
વડોદરાઃ વડોદરા-હાલોલ રોડ પર જરોદ નજીક આવેલા લાકડાંના પીઠામાં આગ લાગતાં સાત ફાયર એન્જિન દ્વારા પાંચ કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
જરોદ ખાતે આવેલી જોર્ડ એન્જિનિયરિંગ કંપનીની પાછળ રોઝલી વુડ નામે ખુલ્લા મેદાનમાં આવેલા લાકડાંના મોટા પીઠામાં આજે બપોરે કોઇ કારણસર આગ લાગતાં ઝડપભેર આગ પ્રસરી હતી.
હાલોલ ફાયર બ્રિગેડની સાથે કાલોલ તેમજ ખાનગી કંપનીના ફાયર બ્રિગેડ પણ આગ બૂઝાવવામાં જોડાયા હતા.પરંતુ આગ કાબૂમાં નહિં આવતાં વડોદરા કોર્પોરેશનના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
વડોદરાના ત્રણ ફાયર ફાઇટર મદદમાં લાગ્યા હતા અને આસપાસની કંપનીમાંથી પાણી લાવી મારો ચલાવવામા આવી રહ્યો હોવા છતાં રાતે ૧૦ વાગ્યા સુધી આગ કાબૂમાં આવી નહતી.