મહિલા પોલીસ પીઆઈના પતિએ વસાહતી ઉપર ધારીયાથી હુમલો કર્યો
ભાઈજીપુરા પાસે શ્રી રંગ હાઈટ્સ વસાહતમાં
છેલ્લા થોડા દિવસોથી સોસાયટીના સભ્યો વચ્ચે ચાલી રહેલી માથાકૂટ બાદ ગુનાને અંજામ આપ્યો ઃ ઇન્ફોસિટી પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ભાઈજીપુરાની શ્રીરંગ હાઈટ વસાહતમાં રહેતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરના પતિ દ્વારા સોસાયટીના સભ્યો વચ્ચે ચાલી રહેલી માથાકૂટના અંતે ગઈકાલે ધારિયા વડે યુવાન ઉપર હુમલો કર્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણ ભાઈજીપુરા
ખાતે આવેલી શ્રી રંગ હાઈટ વસાહતમાં બી- ૮૦૨માં સીઆઈડી ક્રાઈમના મહિલા પોલીસ
ઇન્સ્પેક્ટર રહે છે અને તેમના પતિ મયુરસિંહ જગદીશસિંહ વાઘેલા દ્વારા છેલ્લા ઘણા
દિવસોથી સોસાયટીના નિયમોનું પાલન નહીં કરવામાં આવતું હોવાથી સોસાયટીના સભ્યો સાથે
માથાકૂટ થતી રહે છે. ગત મહિને પણ મયુરસિંહ સોસાયટીમાં ગાડી દોડાવીને રહીશો સાથે
ઉગ્ર બોલાચાલી કરી હતી. જેના પગલે ઇન્ફોસિટી પોલીસ મથકમાં વસાહતીઓ દ્વારા લેખિતમાં
રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ પગલાં ભરાયા ન હતા ત્યારે ગઈકાલે
બપોરના સુમારે મયુરસિંહ દ્વારા સોસાયટીમાં પૂર ઝડપે કાર દોડાવીને ગેટને નુકસાન
કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અહીંના રહીશો સાથે માથાકૂટ કરીને અંકિત નીતિનભાઈ
પટેલ ઉપર ધારિયા વડે હુમલો કરી દીધો હતો. જે ઘટનાને પગલે વસાહતીઓમાં ભયનો માહોલ
ફેલાયો હતો. બીજી બાજુ ઘાયલ અંકિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તેના ખભા ઉપર ટાંકા લેવા પડયા હતા ત્યારબાદ વસાહતીઓ દ્વારા આ મામલે
ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવી હતી અને જેના પગલે પોલીસે અંકિત પટેલની
ફરિયાદના આધારે મયુરસિંહ વાઘેલા સામે ગુનો દાખલ કરીને સોસાયટીમાં બંદોબસ્ત પણ
ગોઠવી દેવામાં આવ્યો છે.