Get The App

1700 જેટલી સ્કૂલોની એફિડેવિટ આધારિત ફીને એફઆરસીની મંજૂરી

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
1700 જેટલી સ્કૂલોની એફિડેવિટ આધારિત ફીને એફઆરસીની મંજૂરી 1 - image

વડોદરાઃ મધ્ય ગુજરાત ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટિ)માં ત્રણ સભ્યોની જગ્યા ખાલી હોવાથી સ્કૂલોની ફી નક્કી કરવાની કામગીરી જુલાઈ મહિના પહેલા થાય તેવી કોઈ શક્યતા નથી.જોકે કમિટિએ એફિડેવિટ કરનારી સ્કૂલોની ફીને  મંજૂરી આપવાની કાર્યવાહી શરુ કરી દીધી છે અને અત્યાર સુધીમાં ૧૭૦૦ જેટલી આવી સ્કૂલોની નવા વર્ષ માટેની ફી મંજૂર પણ કરી દીધી છે.

સરકારે નક્કી કરેલી મર્યાદા પ્રમાણે ધો.૧ થી ૮માં ૧૫૦૦૦ કે તેથી ઓછી, ધો.૯ અને ૧૦માં ૨૫૦૦૦ કે તેથી ઓછી તેમજ ધો.૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૫૦૦૦  કે તેથી ઓછી અને વિજ્ઞાાન પ્રવાહમાં ૩૦૦૦૦ રુપિયા કે તેથી ઓછી ફી લેનારી સ્કૂલોએ દરખાસ્ત કરવાની જરુર નથી હોતી.તેઓ એફિડેવિટ કરીને ઉપરોક્ત મર્યાદામાં લેવાતી ફી એફઆરસી પાસે મંજૂર કરાવી શકે છે અને આ માટે એફઆરસીમાં તમામ સભ્યોની જગ્યાઓ ભરેલી હોય તે પણ જરુરી નથી હોતુ.

મળતી વિગતો પ્રમાણે મધ્ય ગુજરાતમાં વડોદરા સહિત સાત જિલ્લાઓની લગભગ ૧૯૦૦ જેટલી સ્કૂલો દ્વારા ફી માટે એફઆરસી સમક્ષ એફિડેવિટ કરવામાં આવ્યા હતા.એ પછી એફઆરસીએ એફિડેવિટની ચકાસણી કરીને ૧૭૦૦ જેટલી સ્કૂલોની ફી મંજૂર પણ કરી દીધી.હવે વડોદરાની ૨૦૦ જેટલી સ્કૂલોના એફિડિવેટની ચકાસણી બાકી છે.જે પણ આગામી દિવસોમાં પૂરી થઈ જશે.

જો સરકારે એફઆરસીમાં સભ્યોની નિમણૂંક કરવામાં ઢીલ ના કરી હોત તો કદાચ એફઆરસી દ્વારા અત્યારે સ્કૂલોની ફી વધારાની દરખાસ્તો પર પણ નિર્ણય લેવાનુ શરુ થઈ ગયુ હોત અને નવા શૈક્ષણિક વર્ષ સુધીમાં ફી વધારો માંગનારી સ્કૂલોની ફી નક્કી પણ થઈ ગઈ હોત.તેની જગ્યાએ હવે સ્કૂલોને ફી લેવામાં મનમાની ચલાવવાની તક મળી ગઈ છે.ચૂંટણીની આચાર સંહિતાના કારણે જૂન મહિના સુધી તો સભ્યોની નિમણૂંક નહીં થાય અને એ પછી નિમણૂંક થશે તો પણ સ્કૂલોની ફી નક્કી કરવામાં સમય જશે.આ દરમિયાન વાલીઓને સ્કૂલો ફરજ પાડશે તે રીતે ફીનો પહેલો હપ્તો ચૂકવવો પડે તેવી પૂરી શક્યતા છે.


Google NewsGoogle News