વડોદરાની ૧૫૦ જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોની ફીમાં પણ વધારો થવાની શક્યતા
વડોદરાઃ ખાનગી સ્કૂલોમાં તો દર વર્ષે ફી વધારો થતો જ હોય છે અને વાલીઓના ખિસ્સા પર બોજો આવતો હોય છે ત્યારે હવે ગ્રાન્ટેડ સ્કૂલોમાં પણ ફી વધારો તોળાઈ રહ્યો છે.વડોદરા શહેર અને જિલ્લાની ૧૫૦ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સ્કૂલોની ફીમાં વધારો થવાની શક્યતાઓ છે.
આમ તો ગ્રાન્ટેડ સ્કૂલોમાં ખાનગી સ્કૂલો કરતા ફી ઘણી ઓછી હોય છે.રાજ્યમાં બે પ્રકારની ગ્રાન્ટેડ સ્કૂલો છે.સ્કૂલના સંચાલન માટે સરકાર પાસેથી ગ્રાન્ટ લેતી સ્કૂલો વિદ્યાર્થીઓ પાસે ફી નથી લઈ શકતી.જ્યારે સરકાર પાસેથી નિભાવ ગ્રાન્ટ ના લેતી હોય તેવી સ્કૂલોને અમુક મર્યાદામાં વિદ્યાર્થીઓ પાસે ફી લઈને તેમાંથી સ્કૂલ પાછળનો ખર્ચ કરવાની છૂટ આપવામાં આવી છે.
જોકે આવી ગ્રાન્ટેડ સ્કૂલોની ફીમાં છેલ્લા સાત વર્ષથી કોઈ વધારો થયો નથી ત્યારે રાજ્ય સંચાલક મહામંડળ દ્વારા સ્કૂલો દ્વારા મળેલી રજૂઆતોના આધારે શિક્ષણ વિભાગ સમક્ષ આવી સ્કૂલોની ફીમાં ચાર ગણો વધાોર કરવા માટે માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં લગભગ ૧૫૦ જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો એવી છે જે નિભાવ ગ્રાન્ટ લેતી નથી અને વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલે છે.આવી સ્કૂલોમાં ધો.૯માં દર મહિેને ૬૦ રુપિયા, ધો.૧૦માં ૭૦ રુપિયા, ધો.૧૧માં ૮૦ રુપિયા અને ધો.૧૨માં ૯૫ રુપિયા ફી લેવામાં આવે છે.સંચાલકોની ભલામણ જો રાજ્ય સરકાર સ્વીકારે તો ધો.૯ના વિદ્યાર્થીઓની ફી વધીને ૨૫૦ રુપિયા, ધો.૧૦ની માસિક ફી ૩૦૦ રુપિયા, ધો.૧૧ની ૩૫૦ અને ધો.૧૨ની ફી ૪૦૦ રુપિયા થઈ શકે છે.સંચાલકોનુ માનવુ છે કે, છેલ્લા સાત વર્ષથી ફીમાં કોઈ વધારો થયો નથી અને સ્કૂલના ખર્ચા વધ્યા છે ત્યારે ચાર ગણો ફી વધારો વ્યાજબી છે.