વાલી મંડળે શિક્ષણ મંત્રીને 6 ફેબ્રુઆરીએ રજૂઆત કરી હતી પણ FRCમાં નિમણૂંકો ના થઈ
વડોદરાઃ મધ્ય ગુજરાત ઝોનની એફઆરસી( ફી રેગ્યુલેશન કમિટિ)માં ત્રણ સભ્યોની ખાલી જગ્યા પર ચૂંટણીની આચાર સંહિતા લાગુ થાય તે પહેલા નિમણૂંક નહીં કરવાના મુદ્દે વડોદરા વાલી મંડળે સરકાર પર પ્રહારો કર્યા છે.
સંગઠનનુ કહેવુ છે કે, વડોદરા વાલી મંડળના પ્રતિનિધિઓ શિક્ષણ મંત્રીને ૬ ફેબુ્રઆરી મળ્યા હતા અને એફઆરસીમાં નિમણૂંક માટે આવેદનપત્ર આપીને ચર્ચા કરી હતી.તે સમયે પણ વાલીઓને ભવિષ્યમાં પડનારી સંભવિત મુશ્કેલીઓ અંગે શિક્ષણ મંત્રીને જાણકારી આપી હતી અને કહ્યુ હતુ કે, જો લોકસભા ચૂંટણીની આચાર સંહિતા પહેલા આ જગ્યાઓ ભરવામાં નહીં આવે તો ખાનગી સ્કૂલોની ફી નક્કી નહીં થાય અને આ સ્કૂલોને મન ફાવે તે રીતે વાલીઓ પાસે ફી વસૂલવાનો મોકો મળી જશે.કારણકે ભૂતકાળમાં પણ આવુ બનેલુ છે.આ મુલાકાત દરમિયાન વડોદરાના સયાજીગંજ વિસ્તારના ધારાસભ્યને પણ અમે મળ્યા હતા અને તેમને મદદ માટે વિનંતી કરી હતી.તેમણે પણ શિક્ષણ મંત્રીને યોગ્ય કાર્યવાહી માટે કહ્યુ હતુ.
વાલી મંડળનુ કહેવુ છે કે, સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, જ્યાં સુધી નવી ફી નક્કી ના થાય ત્યાં સુધી એફઆરસીએ નક્કી કરેલી છેલ્લી ફીને ધ્યાનમાં રાખીને જ સ્કૂલોએ ફી લેવાની હોય છે પણ વડોદરાની ખાનગી સ્કૂલો અમારી ફાઈલ એફઆરસી સમક્ષ પેન્ડિંગ છે તેવુ કારણ આગળ ધરીને પોત પોતાની રીતે ફી વસૂલી રહી છે.જેની ફરિયાદો પણ અમને મળી રહી છે.
વાલી મંડળનો આક્ષેપ છે કે, ૬ ફેબુ્રઆરીએ કરેલી રુબરુ રજૂઆત બાદ ટેલિફોનિક વાતચીતમાં પણ એફઆરસીની ખાલી જગ્યા ભરવા કાર્યવાહી કરવા અમે અપીલ કરી હતી પણ આ બાબતની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે.એવુ લાગે છે કે, વાલીઓને લૂંટવા માટે ખાનગી શાળા સંચાલકોને સરકાર છૂટો દોર આપી રહી છે.