મધ્ય ગુજરાતની ૧૦૦૦ ઉપરાંત ખાનગી સ્કૂલોની ફીમાં વધારો થશે
વડોદરાઃ ૨૦૧૭માં સ્કૂલોના ફી નિયમનો કાયદો અમલમાં આવ્યા બાદ સ્કૂલો માટે લઘુતમ ફીની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.જે પ્રમાણે પ્રાથમિક સ્કૂલો માટે વાર્ષિક ફીની મર્યાદા ૧૫૦૦૦, માધ્યમિક સ્કૂલો માટે ૨૦૦૦૦ રુપિયા, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના સામાન્ય પ્રવાહ માટે ૨૫૦૦૦ અને વિજ્ઞાાન પ્રવાહ માટે ૩૦૦૦૦ રુપિયા રાખવામા આવી છે.જે સ્કૂલો આ મર્યાદાની અંદર ફી લેતી હોય તો તેણે એફઆરસી સમક્ષ ફી વધારા માટે અરજીની જગ્યાએ માત્ર એફિડિવેટ કરવાનુ રહે છે.
જોકે હવે શાળા સંચાલકોએ ફીની લઘુત્તમ મર્યાદા વધારવા માટે પણ સરકાર સમક્ષ રજૂઆત કરી છે અને સરકારે શિક્ષણ બોર્ડના ચેરમેનના અધ્યક્ષ સ્થાને એક કમિટિ બનાવી છે.જે તમામ પક્ષો પાસે અભિપ્રાય મંગાવશે અને તે બાદ અહેવાલ તૈયાર કરીને સરકારના શિક્ષણ વિભાગને આપશે.જેના આધારે ફી મર્યાદા વધારવાનો નિર્ણય લેવાશે.
એવુ કહેવાઈ રહ્યુ છે કે, સંચાલકોએ છેલ્લા સાત વર્ષથી લઘુતમ ફીની મર્યાદા નહીં વધી હોવાથી તેમાં વધારો કરવા માટે સરકાર પર દબાણ કર્યુ હતુ.કેટલાક સ્કૂલ સંચાલકો તો આ ફીમાં ૫૦ ટકા સુધીનો વધારો થવો જોઈએ તેવી ભલામણ કરી રહ્યા છે.જો એવુ થયુ તો મધ્ય ગુજરાતમાં વડોદરા સહિત ૧૦૦૦ કરતા વધારે સ્કૂલોની ફીમાં વધારો થશે અને તેનો બોજ સીધો વાલીઓના ખિસ્સા પર આવશે.જેમાં વડોદરા શહેર જિલ્લાની ૩૦૦ જેટલી સ્કૂલોનો સમાવેશ થાય છે.આ એવી ખાનગી સ્કૂલો છે જ્યાં સરવાળે મધ્યમવર્ગ અથવા નિમ્ન મધ્યમવર્ગના વાલીઓના બાળકો ભણે છે.
વડોદરાના સંચાલક મંડળે હજી ફી વધારા માટે અભિપ્રાય મોકલ્યો નથી
લઘુતમ ફી મર્યાદા વધારવા અંગે વડોદરા શાળા સંચાલક મંડળના આગેવાન આર સી પટેલનુ કહેવુ છે કે, વડોદરાની સ્કૂલોના સંચાલકો હવે શિક્ષણ વિભાગની કમિટિ સમક્ષ ફી વધારવા અંગે પોતાના અભિપ્રાય મોકલશે.વડોદરાના સંચાલક મંડળ દ્વારા હજી આ બાબતે અભિપ્રાય મોકલવામાં આવ્યો નથી.જોકે છેલ્લા સાત વર્ષથી ફી મર્યાદામાં વધારો થયો નથી.બીજી તરફ શિક્ષકોના પગાર, સ્કૂલોના સંચાલન ખર્ચ, લાઈટ બિલ વગેરેમાં દર વર્ષે આઠ થી દસ ટકાનો વધારો થયો છે ત્યારે હવે સાત વર્ષ પછી સરકાર ફી મર્યાદા વધારે તે ઈચ્છનીય છે.