અમેરિકામાં ગુમ વડોદરાની માયૂસી માટે FBI દ્વારા ૧૦ હજાર ડોલર ઇનામની જાહેરાત
વડોદરામાં સ્કૂલ અને કોલેજના અભ્યાસ બાદ માયૂસી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગઇ હતી ઃ એપ્રિલ-૨૦૧૯થી રહસ્યમય ગુમ
વડોદરા, તા.22 વડોદરામાં શાળા અને કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલી અને વડોદરામાં પાણીગેટ પાણીની ટાંકી પાછળની ઓમનગર સોસાયટીમાં રહેતી માયૂસી વિકાસ ભગત જર્સી સિટિ ખાતેથી તા.૨૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ રહસ્યમય સંજોગોમાં લાપત્તા થયા બાદ હજી સુધી તેનો કોઇ પત્તો નહી લાગતા આખરે અમેરિકાની એફબીઆઇએ માયૂસીની ભાળ આપનારને ૧૦ હજાર ડોલર ઇનામની જાહેરાત કરી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગાઉ ફરજ બજાવતા વિકાસ ભગતની પુત્રી માયૂસીએ વડોદરામાં જ સ્કૂલ અને કોલેજનો અભ્યાસ કર્યા બાદ માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઇ હતી. સ્ટુડન્ટ વિઝા (એફ-૧) મેળવીને અમેરિકા ગયેલી માયૂસીએ પ્રથમ યુનિવર્સિટી ઓફ ન્યુ હેમ્પશાયર ખાતે માસ્ટર્સ કરવા પ્રવેશ મેળવ્યો હતો અને થોડા મહિના બાદ તેણે ન્યૂયોર્ક ખાતે ન્યૂયોર્ક ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ લઇ અભ્યાસ શરૃ કર્યો હતો.
જર્સી સિટિ ખાતે રહેતી માયૂસી તા.૨૯ એપ્રિલના રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. માયૂસીને સંબંધીઓ તેમજ મિત્રોએ થોડો સમય તપાસ કરી તેમજ રાહ જોયા બાદ આખરે જર્સી સિટિ પોલીસ ડિપાર્ટમેન્ટ (ઇસ્ટ) ખાતે માયૂસી ગુમ થઇ હોવાની નોંધ કરાવાઇ હતી. જો કે માયૂસી લાપત્તા થયાની ઘટનાને ચાર વર્ષ થવા છતાં પણ તેનો હજી સુધી કોઇ પત્તો નહી મળતાં અમેરિકાની ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) દ્વારા ૧૦ હજાર ડોલર (રૃા.૮.૩૨ લાખ)ના ઇનામની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે મે-૨૦૧૯થી માયૂસીનો કોઇ પત્તો નહી મળતાં ગયા વર્ષે જુલાઇમાં એફબીઆઇએ તેનું નામ મોસ્ટ વોન્ટેડ લોકોની યાદીમાં અપહરણ અથવા ગુમની કોલમમાં ઉમેર્યું હતું. એફબીઆઇ દ્વારા માયૂસીની જાણકારી આપનાર માટે ઇમરજન્સી નંબર પણ જાહેર કર્યો છે. માયૂસીનું લોકેશન અથવા તેના ગાયબ હોવાની મહત્વની જાણકારી આપનારને તેના બદલામાં ૧૦ હજાર ડોલર ઇનામ અપાશે.