સગી દીકરી પર રેપ કરનાર નરાધમ પિતાની જામીન અરજી નામંજૂર
ફરિયાદી પત્નીએ સોગંદનામુ કર્યુ કે, મેં ખોટી ફરિયાદ કરી હતી, કોર્ટે મેડિકલ પુરાવા અને તપાસના મુદ્દાઓ ધ્યાને લીધા
ફરિયાદીનું કૃત્ય કાયદાના મજાક સમાન છે : કોર્ટ
વડોદરા,શહેરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સગા બાપે ૯ વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો. ધરપકડ પછી જેલવાસ ભોગવતા બાપે જેલમાંથી મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં કરેલી અરજી અદાલતે નામંજૂર કરી છે.
શહેરમાં છેલ્લા ૧૦ વર્ષથી રહેતો પરપ્રાંતિય ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેની ૯ વર્ષની દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ધો. ૪ માં અભ્યાસ કરે છે. ગૂમસૂમ રહેતી દીકરીને માતાએ પ્રેમથી પૂછતા તેણે એવી હકીકત જણાવી હતી કે, હું ઘરે એકલી હોઉં ત્યારે પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે. છેલ્લા એક વર્ષથી પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે. હું ના પાડું તો પપ્પા મને ગાલ પર થપ્પડો મારી ધમકી આપતા હતા કે, તું એવું નહી ંકરે તો હું તને મારી નાંખીશ. પપ્પા આવું અવાર - નવાર કરતા હતા. મને બહુ દુખાવો થતો હતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી નરાધમ પિતાની ધરપકડ કરી હતી. આરોપી પોર્ન વીડિયો જોવાની ટેવ પણ ધરાવતો હતો. ધરપકડ પછી જેલમાં ગયેલા નરાધમ પિતાએ જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સરકારી વકીલ આર.એસ.ચૌહાણે જામીન અરજી નામંજૂર કરવા રજૂઆતો કરી હતી. ફરિયાદી ( આરોપીની પત્ની) એ કોર્ટમાં સોગંદનામુ કરી જણાવ્યું હતું કે, આરોપીને જામીન પર મુક્ત કરાય તો કોઇ વાંધો નથી. જોકે, મેડિકલ હીસ્ટ્રી તથા તપાસની વિગતો ધ્યાને લઇ સ્પેશ્યલ પોક્સો જજ પ્રિયંકા અગ્રવાલે જામીન અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે, પહેલા ફરિયાદી પોક્સોની ફરિયાદ તેના પતિ સામે નોંધાવે છે. ત્યારબાદ સોગંદનામુ કરીને જણાવે છે કે, પોતે ખોટી ફરિયાદ કરી હતી. અત્રે એ નોંધવું દુર્ભાગ્ય પૂર્ણ છે કે, ફરિયાદીનું આવું કૃત્ય કાયદાના મજાક સમાન છે.