હરણી બોટકાંડમાં પુત્ર ગુમાવનાર પિતાની ન્યાયની ગુહાર,કોન્ટ્રાક્ટના પુરાવા રજૂ કર્યા હવે ACBની તપાસ કરાવો
વડોદરાઃ હરણી બોટકાંડની દુર્ઘટનાના બનાવમાં પુત્ર ગુમાવનાર પિતાએ પોલીસ કમિશનર તેમજ એન્ટિ કરપ્શન બ્યુરોને પત્ર લખી બોટકાંડના કોન્ટ્રાક્ટમાં થયેલા ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવી પગલાં લેવા માંગણી કરી છે.
કિશનવાડીમાં કબીરચોકમાં રહેતા ફોટોગ્રાફર કલ્પેશભાઇ નિઝામાએ હરણી લેકઝોનના તમામ ભાગીદારો સામે પોલીસ કમિશનર અને એસીબીને કરેલી અરજીમાં કહ્યું છે કે,હરણી બોટકાંડમાં મારા ૯ વર્ષના પુત્ર વિશ્વકુમારનું પણ મોત નીપજ્યું હતું.
આ બનાવથી વ્યથિત થઇ તપાસ કરાવતાં એવા ઘણાં પુરાવા મળ્યા છે કે જેના પરથી ફલિત થાય છે કે,ચોક્કસ ષડયંત્ર રચાયું હોવાથી આ દુર્ઘટના ઘટી હતી.આ બનાવમાં સરકારી જગ્યાનો વિકાસ કરવાના નામે બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા.
લેકઝોનનો કોન્ટ્રાક્ટ લેનાર મે.કોટિયા પ્રોજેક્ટના ભાગીદારી લેખમાં પણ ઘણો ફેર છે.જેમાં તા.૧૦-૧૦-૨૦૧૫ના રોજ પેઢી બનાવી હોવાનો ઉલ્લેખ છે.પરંતુ આ જ લેખમાં તા.૩ જીએ સ્ટેમ્પ લેવામાં આવ્યો હોવાની અને તા.૫-૫-૨૦૧૫ના રોજ ભાગીદારી શરૃ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આવા બીજા પણ અનેક પુરાવા હાથ લાગ્યા છે.જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના જનમહેલ,એસટી ડેપો, આજવા રોડ ખાતે અતાપી જેવા પીપીપી ધોરણે તૈયાર થયેલા પ્રોજેક્ટમાં પણ ભ્રષ્ટ્રાચાર થયો છે કે કેમ તેની તપાસ થવી જોઇએ.