ગોત્રીમાં વિઝાના નામે રૃપિયા પડાવી પિતા-પુત્રએ ઓફિસને તાળા માર્યા,યુવકે14 લાખ ગુમાવ્યાઃબીજા પણ ફસાયા
વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં વિઝાની ઓફિસ શરૃ કરનાર પિતા-પુત્રએ ઉઠમણું કરતાં તેમની સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
કરજણની ભક્તિનગર સોસાયટીમાં રહેતા જય દર્શકભાઇ પટેલે પોલીસને કહ્યું હતું કે,મારે યુકે જવું હોવાથી ફેબુ્રઆરી-૨૦૨૨માં ગોત્રીના ઇન્સાઇન કોમ્પ્લેક્સ ખાતે ટ્રાઇડેન્ટ ઓવરસીઝ એન્ડ એકેડેમી નામની ઓફિસના સંચાલક કરજણ મનોજભાઇ પંડયા અને તેના પિતા મનોજ વાસુદેવ પંડયા(બંને રહે. ધનલક્ષ્મી ટાવર,ભવરરોડ,આણંદ) નો સંપર્ક કર્યો હતો.
યુકે જવા માટે મેં તેમને રોકડા અને ચેકથી રૃ.૧૪.૬૫ લાખ ચૂકવ્યા હતા.પરંતુ મને સ્ટુડન્ટ વિઝા મળ્યા નહતા.જેથી મેં વર્ક પરમિટ માટે મેં સંમતિ આપી હતી.પિતા-પુત્રએ ઇન્ટર્વ્યૂ માટે મને તૈયારી કરાવી હતી અને હું પાસ પણ થઇ ગયો હતો.ત્યારબાદ સ્પોન્સર લેટર, મેડિકલ ટેસ્ટ જેવી પ્રક્રિયા પણ કરાવી હતી.
યુવકે કહ્યું છે કે,આમ છતાં મને વિઝા નહિં મળતાં પિતા-પુત્રની ઓફિસે વારંવાર ધક્કા ખાધા હતા.બંનેએ મને ડિસેમ્બર-૨૦૨૩માં રૃપિયા પરત આપવાની ખાતરી આપી હતી.પરંતુ ત્યારબાદ તેમણે ઓફિસ બંધ કરી દીધી હતી.મારી જેમ વાઘોડિયા રોડના પ્રવિણભાઇ તેમજ બીજા પણ લોકો આવી રીતે ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.જેથી ગોત્રી પોલીસે બંને પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.