વડોદરામાં હાર્ટ એટેકથી પિતાનું મોત થતા દીકરાના લગ્નની ખુશી શોકમાં પલટાઈ
વડોદરા,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર
વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં દીકરાના લગ્નના પૂર્વે એક દિવસ પહેલા જ પિતાનું હાર્ટ એટેક થી મોત નીપજતા ખુશીનો માહોલ શોકમાં પલટાઈ ગયો હતો.
વડોદરા શહેરના નવા યાર્ડ લાલપુરા વિસ્તારમાં રહેતા મગનભાઈ સોલંકીના પુત્ર નિખિલભાઇ સોલંકીનું લગ્ન બે દિવસ બાદ થવાનું હતું તે પૂર્વે આજે સવારે અચાનક તેમના પિતા મગનભાઈ સોલંકીને છાતીમાં ગભરામણ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા જ રસ્તામાં તેઓનું મોત નિપજ્યું હતું.
વડોદરા શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં કોઈને કોઈ કારણસર હાર્ટ એટેક થી મોત નીપજ્યાના કિસ્સામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક વ્યક્તિનું મોત થયું છે.
કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, નવા યાર્ડ વિસ્તારના લાલપુરાના રહેવાસી મગનભાઈ સોલંકી છેલ્લા કેટલાક દિવસથી લગ્નની પૂર્વ તૈયારી કરી રહ્યા હતા સફાઈની કામગીરી હોય કે અન્ય કામગીરી માટે અમારો સંપર્ક કરતા હતા અને આજે સવારે તેમને હાર્ટ એટેક આવ્યો હોવાના દુઃખદ સમાચાર મળતા લગ્ન પ્રસંગની ખુશી તેમના પરિવારજનો માટે શોકમાં પલટાઇ ગઇ હતી.