ભાયલીમાં પિતા - પુત્રીનો લસ્સીમાં ઝેર ગટગટાવીને આપઘાત

આપઘાત માટે જવાબદાર લોકોના નામ બ્લેક ડાયરીમાં લખ્યા : આપઘાત પહેલા વૃદ્ધ પિતાને વીડિયો રેકોર્ડ કરીને મોકલ્યો

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
ભાયલીમાં પિતા - પુત્રીનો લસ્સીમાં ઝેર ગટગટાવીને આપઘાત 1 - image

વડોદરા,શહેર નજીક ભાયલી વિસ્તારમાં  પુત્રી સાથે રહેતા  અને આઇ.ટી.કંપનીમાં નોકરીની સાથે કોમ્પ્યુટરનો બિઝનેસ કરતા શખ્સે ૮ વર્ષની પુત્રી સાથે ઝેરી દવા  પીને આપઘાત કરી લીધો હતો. જે અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે  દોડી જઇ પિતા અને પુત્રીના મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આપઘાતની  પાછળ ભાગીદારો સાથેનો વિવાદ જવાબદાર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ રાજકોટના ચિરાગ  મુકેશભાઇ બ્રહ્માણી (ઉ.વ.૪૧) છેલ્લા ત્રણ મહિનાથી ૮ વર્ષની પુત્રી સાથે ભાયલી નજીક લલિતા પાર્ટી પ્લોટ નજીક ધ ફ્લોરેન્સમાં રહેતા હતા. આઇ.ટી. કંપનીમાં નોકરી કરતા ચિરાગભાઇ નોકરીની સાથે કોમ્પ્યુટરનો બિઝનેસ કરતા હતા. ગઇકાલે તેમણે એક વીડિયો ઉતારી પોતાના પિતાને મોકલ્યો હતો. જેમાં તેઓ પુત્રી સાથે આપઘાત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ આપઘાત માટે જવાબદાર લોકોના નામ પોતાની ડાયરીમાં લખ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પિતા - પુત્રીએ જીવન ટૂંકાવી દીધું હતું. આ વીડિયો સવારે તેના  પિતાએ જોતા પુત્ર ચિરાગને સતત કોલ કર્યા હતા. પરંતુ, ચિરાગે કોલ રિસિવ કર્યા નહતા. જેથી,તેઓને ફાળ પડી હતી. તેમણે વડોદરામાં રહેતા ચિરાગના માસીના પુત્ર તેમજ અન્ય સગાને ચિરાગના ઘરે જઇને તપાસ કરવા કહ્યું હતું. 

ચિરાગનો માસીનો  પુત્ર અને અન્ય સગા જ્યારે ફ્લેટ પર પહોંચ્યા ત્યારે ફ્લેટનો દરવાજો બંધ હતો. ચિરાગે વીડિયોમાં ફ્લેટની ચાવી બૂટમાં મૂકી હોવાનું જણાવ્યું હતું. જેથી, બૂટમાંથી ચાવી કાઢી તેઓએ દરવાજો ખોલતા ચિરાગ અને તેની  પુત્રી બેડ પર હતા. તેમણે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી. એમ્બ્યુલન્સના એટડન્ટે આવીને ચેક કરતા પિતા - પુત્રીના મોત ત્રણ કલાક પહેલા જ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.  બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને સ્યૂસાઇડ નોટ લખેલી બ્લેક કલરની ડાયરી કબજે લઇ મૃતદેહોને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.  જેથી, પોલીસે ચિરાગભાઇ સામે હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.



ઝેરી દવા વાળી લસ્સી  પુત્રીને  પીવડાવ્યા પછી પોતે પણ પી લીધી

પિતા - પુત્રીના બેડ પાસેથી લસ્સીના બે ગ્લાસ મળી આવ્યા

 વડોદરા,ચિરાગને પત્ની સાથે મતભેદ થતા તેઓએ ત્રણ મહિના પહેલા જ છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ ચિરાગ ૮ વર્ષની પુત્રી સાથે ભાયલીમાં રહેતો હતો. ગઇકાલે રાતે તે લસ્સી લઇને  આવ્યો હતો. લસ્સીમાં કોઇ ઝેરી દવા ભેળવીને તેણે પુત્રીને પીવડાવી દીધી હતી. ત્યારબાદ તેણે પોતે ઝેરી દવા પી લીધી હોવાનું પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.પોલીસને બેડ પાસેથી લસ્સીના બે ગ્લાસ મળી આવ્યા હતા. લસ્સીના ગ્લાસમાં જ ઝેર ભેળવી દેવામાં આવ્યું હતું. કઇ ઝેરી દવા હતી ? તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.



બર્થડેના પાંચ દિવસ પહેલા જ પુત્રીને ઝેર પીવડાવી દીધું

ચિરાગની માતા રક્ષાબંધન  હોવાથી વતન રાજકોટ ગયા હતા

 વડોદરા,ચિરાગની પુત્રી ભાયલી વિસ્તારની જ એક સ્કૂલમાં ભણતી હતી. મળતી માહિતી મુજબ, ચિરાગ છેલ્લા ૨૦ વર્ષથી વડોદરામાં જ સ્થાયી થયો હતો. પત્ની સાથે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. ત્રણ મહિના પહેલા છૂટાછેડા લઇ પોતાની માતા સાથે રહેતો હતો.  પરંતુ, રક્ષાબંધનનો તહેવાર હોવાથી ચિરાગની માતા વતન રાજકોટ ગઇ હતી. તે દરમિયાન ચિરાગે આપઘાત કરી લીધો હતો. આગામી ૨૮ મી તારીખે ચિરાગની પુત્રીનો જન્મ દિવસ  હતો. તેમજ સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણીમાં તેની પુત્રી રાધાનો રોલ કરવાની હતી.


તમે આવશો ત્યાં સુધી હું આ દુનિયામાં નહીં હોઉં

વડોદરા,ચિરાગે રાતે જ વીડિયો રેકોર્ડ  કરી પિતાને મોકલી આપ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તમે વહેલા આવી જજો. આ વીડિયો તમારા સુધી પહોંચશે અને તમે અહીંયા આવશો ત્યાં સુધી હું આ દુનિયામાં નહીં હોઉં. ખરેખર આ વીડિયો ચિરાગના પિતાએ છેક સવારે જોયો હતો. તેમણે વીડિયો જોયો ત્યારે તો તેમનો પુત્ર અને પૌત્રી  આ દુનિયામાં નહતા.


પપ્પા, મમ્મી, પૂજા મને માફ કરજો, 

એક મિનિટનો વીડિયો રેકોર્ડ કરી  પિતાને રાતે જ મોકલી દીધો હતો

 આ જન્મમાં જવાબદારી નિભાવી ના શક્યો, આવતા જન્મમાં મોકો મળશે તો પૂરી કરીશ

 વડોદરા,ચિરાગે આપઘાત પૂર્વે એક વીડિયો ઉતાર્યો હતો. જે વીડિયોમાં તેની હતાશા સ્પષ્ટ જણાઇ આવતી હતી. તેનું પહેલું વાક્ય એ હતું કે, પપ્પા, મમ્મી, પૂજા તમને બધાને છોડીને જઉં છું. આ બધા માટે હું જવાબદાર છું. આ પગલા માટે જે કોઇ જવાબદાર છે. તેઓના નામ બ્લેક ડાયરીમાં લખ્યા છે. તમે વહેલા આવી જજો. કોઇ ટેન્શન કરતા નહીં. મારી ભૂલ હશે. હું મારી જવાબદારી નિભાવી શક્યો નહીં. આવતા જન્મમાં મોકો મળશે તો મારી જવાબદારી નિભાવીશ. મને માફ કરજો.

એક મિનિટના આ વીડિયોમાં ચિરાગ ટેન્શનના કારણે ડિપ્રેશનમાં હોવાનું જણાઇ આવે છે.પોલીસનું કહેવું છે કે, હાલના તબક્કે ભાગીદારો સાથેના વિવાદમાં તે ટેન્શનમાં હોવાનું જણાઇ આવે છે. જે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.


૫૦ પેજની ડાયરીમાં પાંચ પેજની અંતિમ ચિઠ્ઠી લખી ઃ નજીકના સંબંધીઓ સામે પણ આક્ષેપો

વડોદરા,પોલીસે ચિરાગની બ્લેક કલરની ડાયરી કબજે લીધી છે. અંદાજે ૫૦ થી ૬૦ પાનની ડાયરીમાં તેને ધંધાને લગતી વિગતો લખી છે. આ જ ડાયરીના છ પેજમાં તેણે અંતિમ ચિઠ્ઠી પણ લખી છે. જેમાં પોતાને આ પગલું ભરવા માટે મજબૂર કરનાર લોકોની વિગતો લખી છે. હાલમાં પોલીસ દ્વારા ડાયરીની વિગતો જણાવવાનો ઇનકાર કર્યો છે. જેમાં નજીકના સંબંધીઓ સામે  પણ આક્ષેપો કર્યા છે. તેઓને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.


Google NewsGoogle News