લિફ્ટ બંધ કરવા બાબતે તકરારથ બે ભાઈઓ ઉપર પિતા અને પુત્રોનો હુમલો

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
લિફ્ટ બંધ કરવા બાબતે તકરારથ બે ભાઈઓ ઉપર પિતા અને પુત્રોનો હુમલો 1 - image


ગાંધીનગર નજીક રાંદેસણની વસાહતમાં

ચોથા માળે ખુલ્લી રહેલી લીફ્ટ બંધ કરવાનું કહેતા મામલો બીચક્યો : પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા રાંદેસણની વેદિકા હેબિટેડ વસાહતમાં લિફ્ટ બંધ કરવાનું કહેતા યુવાન અને તેના ભાઈ તેમજ પિતાએ બે ભાઈઓ ઉપર હુમલો કર્યાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રમાંથી મળતી વિગતો પ્રમાણે રાંદેસણમાં આવેલી વેદિકા હેબિટેડ વસાહતમાં રહેતા હેમાંગભાઈ અશોકભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સાંજના સમયે તે અને તેમના ભાઈ અંકિતભાઈ તેમના ઘરે ત્રીજા માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ કરવા જતા હતા તે દરમિયાન ચોથા માળે રહેતા બાલકૃષ્ણ ચોબેના નાનો દીકરો તેના મિત્ર સાથે લિફ્ટમાં ઉપર ગયો હતો અને ચોથા માળે લીફ્ટનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. જેથી તેમણે બૂમ મારીને દરવાજો બંધ કરવા કહ્યું હતું. આ દરમિયાન આ યુવાન તેના મિત્ર સાથે નીચે આવ્યો હતો અને ત્યારબાદ તેમની સાથે જેમ ફાવે તેમ ગાળો બોલી મારા મારી કરવા લાગ્યો હતો અને લીફ્ટ બંધ નહીં થાય તેમ કહ્યું હતું. ત્યારબાદ હેમાંગભાઈએ સિક્યુરિટી જવાનને ચેરમેનને ફોન કરવા કહ્યું હતું. આ દરમિયાન બાલકૃષ્ણ ચોબે અને તેમનો મોટો દીકરો પણ આવી ગયા હતા અને તેમની અને તેમના ભાઈ સાથે તકરાર કરીને મારામારી કરવા લાગ્યા હતા અને ધમકી આપી હતી કે અમને ઓળખો છો તમને ખોટા કેસમાં ફસાવી દઈશું. સોસાયટીમાં પગ મુકશો તો જાનથી મારી નાખીશું ત્યારબાદ તેઓ ઘરે પહોંચ્યા હતા અને શરીરે દુખાવો થતાં સારવાર માટે ગાંધીનગર સિવિલ ગયા હતા. હાલ ઇન્ફોસિટી પોલીસે પિતા અને બે પુત્ર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.


Google NewsGoogle News