વડોદરા: બાકી નાણાં મુદ્દે એન્જીનીયરને પિતા-પુત્રએ લાકડી અને દોરડા વડે ફટકાર્યો
વડોદરા,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર
કંપનીના બાકી નીકળતા 18 લાખની વસૂલાત અર્થે પહોંચેલા સિવિલ એન્જીનીયરને પિતા-પુત્રની ટોળકીએ લાકડી અને દોરડા વડે મારમારી ઓફિસમાંથી હાંકી કાઢવાનો બનાવ કારેલીબાગ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. પોલીસે પિતા-પુત્ર સહિતને ચાર શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા જયપાલસિંહ વાઘેલા ખાનગી કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓની કંપનીના રિષભ ગૃપના માલિક યમનભાઈ શૈલેષભાઈ શાહ પાસેથી મટિરિયલના રૂપિયા 18 લાખ બાકી હોય જયપાલસિંહ કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષની સામે વિનાયક સકવેરમાં આવેલી યમનભાઈની ઓફિસે મળવા માટે પહોંચ્યા હતા. જયાં યમનભાઈએ બાકી રકમની માંગ કરતા નાણાં ચૂકવવાની ના પાડી વાત કરવી નથી તેમ જણાવી ઓફિસમાંથી બહાર નીકળી જવા દબાણ કર્યું હતું. તે સમયે ઉશ્કેરાયેલા યમનભાઈ શાહ, તેના પિતા શૈલેષભાઈ શાહ, નૈનેશ શાહ તથા અન્ય એક વ્યક્તિએ ભેગા મળી વાંસની લાકડી તથા દોરડા વડે માર મારી ઓફિસની બહાર કાઢી મૂક્યો હતો.