નર્મદામાં સ્નાન કરતા પિતા-પુત્ર ડૂબ્યા ; અન્ય કિશોરની લાશ મળી
ગઇકાલે સુરતના યુવાનનું ડૂબી જતા મોત થયું હતું : રેતી ખનનથી ખાડા થતા તેમાં ડૂબી જવાની ઘટના વધી
શુકલતીર્થના મેળા અને જાત્રાના છેલ્લા દિવસે મિસ્ત્રી પરિવારમાં કરૃણાંતિકા
ભરૃચભરૃચ તાલુકાના શુકલતીર્થ ખાતે કારતક પૂર્ણિમાએ ૬ દિવસના મેળા અને મેળા સાથે નર્મદા કાંઠે જાત્રાના અંતિમ દિવસે નર્મદામાં સ્નાન કરતાં ત્રણ ડૂબ્યા હતા, જેમાંથી એક કિશોરનો મૃતદેહ મળ્યો છે, જ્યારે ડૂબી ગયેલા પિતા-પુત્ર લાપતા થતાં શોધખોળ જારી છે. નર્મદા નદી કાંઠે રેતી ખનનને લીધે મોટા ખાડા થતાં તેમાં ડૂબી જવાની આ કરૃણાંતિકા સર્જાઇ હતી.
શુકલતીર્થ ખાતે કાર્તિકી પૂર્ણિમાના ૬ દિવસના મેળાના દેવદિવાળીએ અંતિમ દિવસે સમગ્ર ગુજરાતમાંથી યાત્રિકો ઉમટતા હોય છે. આજે અંતિમ દિવસે પણ નર્મદા નદીના કાંઠે જાત્રા ચાલુ હોવા છતાં રેતી ખનન ધમધમતું હતું. મેળા બાદ કાંઠે જાત્રામાં આવતા લોકો માટે નર્મદા સ્નાન કરવાનું અનેરૃ મહત્વ હોવાના કારણે નદીમાં ડૂબકી લગાવતા હોય છે. ગઇકાલે એકનું ડૂબી જતા મોત થયું, જ્યારે આજે ત્રણ લોકો ડૂબ્યા હતા. જેમાં ૧૧ વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો હતો. ગઇકાલે સુરતનો સચિન નામનો યુવાન નર્મદા નદીમાં નાહવા જતા તે ડૂબી જવાથી તેનું મોત થયું હતું. આજે ભરૃચના પશ્ચિમ વિસ્તારના વેજલપુરના નિઝામવાડી વિસ્તારમાંથી અસંખ્ય લોકો શુકલતીર્થની જાત્રામાં ગયા હતા.
જેમાં નિઝામવાડીના મિસ્ત્રી પરિવારના લોકો પણ જોડાયા હતા. મિસ્ત્રી પરિવારના ત્રણ ડૂબી જતા અને એકનું મોત થતા મૃતકના પરિવારજનોએ નદીની આજુબાજુ રેતી ખનન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાથી તે મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો.
ભરૃચ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતક કિશોરના પરિવાર સહિત અન્ય લોકોએ પણ દોડી આવી રડતી આંખે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વસંતભાઇ મિસ્ત્રી (ઉ.૪૫), બિનીત મિસ્ત્રી (ઉ.૧૭) આ બંને લાપત્તા છે. જ્યારે નિશાંત મિસ્ત્રી (ઉ.૧૧)નો મૃતદેહ મળ્યો છે.