છીપવાડમાં ગૌ માંસનો સમોસા વેચતા પિતા - પુત્ર ઝડપાયા
ચાર કારીગરો સામે પણ કાર્યવાહી : ૩૨૬ કિલો ગૌ માંસ કબજે કરી નાશ કરાયું
વડોદરા,છીપવાડ વિસ્તારમાં ગૌ માંસમાંથી બનાવેલા સમોસા વેચનાર પિતા - પુત્ર સહિત છ આરોપીઓને પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે કોર્પોરેશન પાસે ગૌ માંસના જથ્થાનો નાશ કરાવ્યો હતો.
શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની મળેલી સૂચનાના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ડીસીપી પન્ના મોમાયાને માહિતી મળી હતી કે, છીપવાડ ચાબુક સવાર મહોલ્લમાં ગૌ માંસનું વેચાણ થાય છે. જેથી, તેમણે સ્ટાફને તપાસ કરવા માટે જણાવતા સ્ટાફ દ્વારા ઉપરોક્ત સ્થળે જઇને તપાસ હાથ ધરવામાં આવી હતી. મકાનમાંથી મહંમદયુસુફ ફકીરમહંમદ શેખ મળી આવ્યો હતો. તેના મકાનમાંથી નોનવેજનો કુલ ૩૨૬ કિલો જથ્થો કિંમત રૃપિયા ૩૨,૬૦૦ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે એફ.એસ.એલ. અધિકારી પાસે તપાસ કરાવતા ગૌ માંસનો જથ્થો હોવાનું જણાઇ આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે પિતા મહંમદયુસુફ તેના પુત્ર મહંમદનઇમ તથા ચાર કારીગરો મહંમદહનિફ ગનીભાઇ ભઠીયારા, દિલાવરખાન ઇસ્માઇલખાન પઠાણ, મોઇન મહેબૂબશા હબદાલ તથા મોબીન યુસુફભાઇ શેખને ઝડપી પાડયા છે.
ગૌ માંસનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા ? કેટલા સમયથી આ રીતે ગૌ માંસના સમોસા બનાવીને વેચાણ કરવામાં આવે છે. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.