ફતેગંજ બ્રિજ ચાર રસ્તા પર સિગ્નલ ચોંટી જતા ટ્રાફિક અવ્યવસ્થા
સેન્સરના કારણે એમ્બ્યુલન્સને રસ્તો મળી જાય છે,પણ સિગ્નલ ચોંટી જતા અરાજકતા
વડોદરા,દર્દીઓને લઇ જતી એમ્બ્યુલન્સ ચાર રસ્તાના ટ્રાફિક સિગ્નલમાં ફસાઇ ના જાય તે માટે સિગ્નલ ઓટોમેટિકલી સેન્સરથી ઓપરેટ થાય છે. પરંતુ, ફતેગંજ બ્રિજ નજીક આ સિગ્નલ વારંવાર ચોંટી જતા અરાજકતા સર્જાય છે. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાય છે.
શહેરમાં ટ્રાફિકના નિયમન માટે તમામ ચાર રસ્તા પર સિગ્નલ મૂકવામાં આવ્યા છે. શહેરમાં દર્દીઓને લઇ જતી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાઇ ના જાય અને દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં તકલીફ ના થાય તે માટે તમામ સિગ્નલ પર સેન્સર ફિટ કરવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ પસાર થવાની હોય ત્યારે તેના રસ્તા પરની સિગ્નલ ખૂલી જાય છે અને અન્ય સિગ્નલો બંધ થઇ જતી હોય છે. આજે ફતેગંજ સિગ્નલ પર સમસ્યા સર્જાઇ હતી. એક એમ્બ્યુલન્સ પસાર થઇ ત્યારે સિગ્નલ ક્લિયર થઇ ગયું હતું. ત્યારબાદ તે સિગ્નલ ચોંટી જતા પોઇન્ટ પર ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાઇ હતી. સ્થળ પર હાજર પોલીસ કોન્સ્ટેબલે કંટ્રોલ રૃમમાં કોલ કરી સિગ્નલ નોર્મલ કરાવી ત્યાં જ બીજી એક એમ્બ્યુલન્સ આવી અને ફરીથી સિગ્નલ ચોંટી ગયું હતું. સાંજના સમયે આવી પરિસ્થિતિના કારણે ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાય છે.