Get The App

ટ્રેકની આજુબાજુની જમીનમાં રેલવે વિભાગે કબજો જમાવવા પ્રયાસ કરતા ખેડૂતોનો હોબાળો : કામગીરી અટકાવી

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
ટ્રેકની આજુબાજુની જમીનમાં રેલવે વિભાગે કબજો જમાવવા પ્રયાસ કરતા ખેડૂતોનો હોબાળો : કામગીરી અટકાવી 1 - image

વડોદરા,તા.23 ડિસેમ્બર 2023,શનિવાર

ગુજરાતમાં રેલ્વે વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની જમીન સંપાદન કર્યા વિના રેલ્વે લાઈનની આજુબાજુની ખુલ્લી જમીનમાં ફેન્સીંગ અને ખૂટા મારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા આજે કરોડિયા ગામ ખાતે રેલવેના અધિકારીઓ ફેન્સીંગ કરવા જતા ખેડૂતોએ વિરોધ કરી કામગીરી અટકાવી હતી અને મામલતદાર પાસેથી રેકોર્ડ મંગાવ્યા બાદ કાર્યવાહી કરવાનું નક્કી થયું હતું.

વડોદરા શહેરના છેવાડે આવેલ કરોડીયા ગામની સીમમાં આવેલ ખેતીલાયક જમીનમાં અચાનક રેલવે વિભાગ તરફથી હદ નક્કી કરવા ફેન્સીંગની કામગીરી હાથ ધરાતા વિવાદ વકર્યો હતો.

જમીનમાં કાયદા મુજબની નોટીસ આપ્યા વીના ગેરકાયદેસર રીતે રેલ્વે કર્મચારીઓ દ્વારા ફેન્સીંગ માટે જમીન ખાલી કરવાની ધમકીના આક્ષેપ સાથે ખેડૂતોએ વેસ્ટન રેલવે ડીઆરએમ ઓફિસે લેખિત રજૂઆત કરી હતી અને આ અંગેના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા રેલ્વે વિભાગને જણાવ્યું હતું. પરંતુ રેલવે વિભાગ તરફથી કોઈ પુરાવા આપવામાં આવતા નથી.

 ખેડૂતોએ વેસ્ટન રેલ્વે ડીઆરએમ ઓફિસને લેખિત રજૂઆત કરી છે કે, ખેતીની જમીન ખેડૂતોની માલિકીની છે. જ્યાં તેઓ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. છતાં કાયદા મુજબની નોટીસ વિના કે જમીન સંપાદન કર્યા વિના ગેરકાયદેસર રીતે રેલ્વેના કર્મીઓએ જમીન પર કબજો જમાવવા હેતુ ફેન્સીંગ કરવા સ્થળ પર પહોંચ્યા હતા. જેથી ત્યાં ખેડૂતો અને રેલવે કર્મચારીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, આ જમીન અંગે હજુ સંપાદનની પ્રક્રિયા થઈ નથી. અને રેલ કર્મીઓએ ધમકી આપી છે કે, ત્રણ દિવસમાં તેઓ હદ નક્કી કરી ફેન્સીંગ કરવાના હોય જમીન ખાલી કરવી. જેથી લડતના મૂડમાં આવેલ ખેડૂતોએ રેલવે વિભાગને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, રેલ્વે વિભાગ દ્વારા જમીન સંપાદન અંગેની કોઈ પણ નોટીસ પાઠવવામાં આવી નથી, તેમજ ડીઆઈએલઆર ઓફીસ તરફથી પણ નોટીસ કે માપણી કરવાની જાણ ન કરી એક તરફી નિર્ણય કર્યો છે. 

અનેક ખેડૂતોએ રેલવે તંત્ર પાસે રેલ્વે ટ્રેનની આજુબાજુની જમીન રેલવે વિભાગની છે કે નહીં તેના પુરાવાની માંગણી કરી છે તો બીજી બાજુ રેલવે તંત્ર દ્વારા ખાનગી માલિકીની જમીનમાં કેટલીક જમીન રેલવે વિભાગ હસ્તકની વર્ષોથી હોવાનું જણાવી ફેન્સીંગ અને ખુંટા મારવામાં આવી રહ્યા હોવાથી વિવાદ સર્જાયો હતો. 

કરોડિયા ગામના ખેડૂતોની વારંવાર રજૂઆત છતાં રેલવે વિભાગે ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના જ આજે સવારે કરોડિયા ગામની ખેડૂતોની જમીનમાં ફેન્સીંગ અને ખૂંટા મારવાની કામગીરી માટે રેલવેના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતો અને તેમના વકીલ વિજય વનરાજે ખેડૂતોની માલિકીની જમીનમાં ફેન્સીંગ નહીં કરવા ઉગ્ર રજૂઆત કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સામે રેલવેના અધિકારીઓએ પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ રેલ્વે લાઈન અંગ્રેજોના જમાનામાં નંખાયેલી છે એટલે નિયમ પ્રમાણે તેની આજુબાજુની જમીનનો પણ રેલવે વિભાગની જ કહેવાય તેની સામે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો કે જો વર્ષો પહેલા જમીન સંપાદન થઈ હોય તો 1951 થી જે જમીન દફતર સરકારે તૈયાર કર્યા છે. તેમાં રેલ્વે ટ્રેકની આજુબાજુની કેટલા મીટર જમીન રેલવે વિભાગની છે તેની પણ જાણકારી હોવી જોઈએ તેની કોઈ નોંધ નથી. 

 જમીનની માપણી પણ કરવામાં આવી નથી જેથી આખરે રેલવેના અધિકારી અને ખેડૂતોએ મામલતદાર કચેરીમાંથી જે રેકોર્ડ હોય તે આધારે આગામી દિવસમાં કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું અને જરૂર પડે જિલ્લા કલેકટર સમક્ષ પણ પ્રશ્ન રજૂ કરી યોગ્ય ઉકેલ લાવવાનું નક્કી થયું હતું જેથી રેલવેના અધિકારીઓને પરત ફર્યા હતા.


Google NewsGoogle News