જાખોરામાં રીંગણના પાકમાં કુંજરા રોગ આવી જતાં ખેડૂતની અવદશા

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
જાખોરામાં રીંગણના પાકમાં કુંજરા રોગ આવી જતાં ખેડૂતની અવદશા 1 - image


પડયાં ઉપર પાટું જેવો તાલ સર્જાયો

રોગ લાગતાં છોડના પાંદડા સંકોચાઇ જવાની સાથે રીંગણ નહીં લાગતા વીઘા દિઠનો ૧૫ હજારનો ખર્ચ પાણીમાં ગયો

ગાંધીનગર :  છેલ્લા ચોમાસુ ઝાપટા પહેલા મેઘરાજાએ દોઢ મહિનાનો વિરામ લીધો ત્યારે જ ગાંધીનગર જિલ્લામાં અપુરતા વરસાદથી ખેતીમાં માઠી અસર આવી હતી. દરમિયાન ગાંધીનગરના જાખોરા ગામ વિસ્તારમાં રીંગણના પાકમાં કુંજરા નાનો રોગ આવતા ખેડૂતની અવદશા થઇ છે. રોગ લાગતાં છોડના પાંદડા સંકોચાઇ જવાની સાથે રીંગણ નહીં લાગતા વીઘા દિઠ કરેલો ૧૫ હજારનો ખર્ચ પાણીમાં જવાથી પડયા માથે પાટું જેવો તાલ સર્જાયો છે.

રીંગણના પાકમાં કુંજરા નામથી ઓળખાતો રોગ આવી જવા સંબંધમાં જાખોરા ગામના અગ્રણી યશવંતભાઇ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે દિનેશભાઇ ઠાકોર નામના ખેડૂત દ્વારા બે વીધા જેટલા વિસ્તારમાં રોકડિયા પાક ગણાતા રીંગણનું વાવેતર કરવામાં આવ્યુ હતું. પરંતુ રીંગણ લાગવાની વેળા આવી તે સમયે જ કુંજરા રોગ દેખાયો હતો. જેને ગ્રામિણ ભઆષામાં બાવો પણ કહેવામાં આવે છે. મતલબ કે કુંજરા રોગના લાગવાથી નુક્શાન જવાના કારણે ખેડૂતની હાલત બાવા જેવી થઇ જાય છે. એકવાર પાકમાં આ રોગ દેકાયા પછી તેમાં રીંગણ બેસતા નથી અને છોડ નકામો થઇ જાય છે. દરમિયાન ખેડૂતને હવે પાક ફેઇલ થઇ ગયાની ખાતરી થઇ જતાં તેમણે ટ્રેક્ટર બોલાવીને ખેતરને ખેડાવી નાંખ્યું હતું. ખેતીના જાણકારો પણ કહે છે, કે રીંગણમાં કુંજરા રોગ લાગી જવાના કારણે ખેડૂત પાસે ખેતર ખેડી નાંખવા સિવાયનો કોઇ રસ્તો રહેતો નથી.


Google NewsGoogle News