જમીન સંપાદનમાં પૂરતું વળતર નહીં અપાતા ખેડૂતો ભારે નારાજ

ભરૃચ જેમ વડોદરા જિલ્લાના ખેડૂતો ટૂંક સમયમાં ચૂંટણી કાર્ય પરત આપી આંદોલન ચાલુ કરશે

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
જમીન સંપાદનમાં પૂરતું વળતર નહીં અપાતા ખેડૂતો ભારે નારાજ 1 - image

વડોદરા,હાલમાં વડોદરા જિલ્લામાં મુંબઇ-દિલ્હી એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન તથા નેરોગેજને બ્રોડગેજ યોજનામાં રૃપાંતર કરવાની પ્રક્રિયામાં જમીન સંપાદન કરવાનું કામ ચાલી રહે છે. શહેરી વિસ્તારમાં આવેલા ગામોના ખેડૂતોને બેનો ગુણાંક આપી ચારગણી રકમ આપવા હાઇકોર્ટના હુકમને ધ્યાને લઇ ખેડૂતોને જે રકમ ચુકવવાની થાય છે તેના પર અમુક અધિકારીઓ એજન્ટો રાખી ખેડૂતોનો સીધો સંપર્ક કરી તેઓ પાસે પાંચદશ ટકા રકમ માગી રહ્યા છે. આમ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઇ રહેલ છે જે અટકાવવા એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા આક્ષેપ કરાયો છે.

વડોદરા અને ભરૃચ જિલ્લાના ખેડૂતોની જમીન મુંબઇથી દિલ્હી એક્સપ્રેસ વેમાં સંપાદન થયેલ છે, તેના કેસોનો નિકાલ આરબીટ્રેટરો દ્વારા  આરબીટ્રેશનના કેસો ફાઇલ કર્યાને ૩૦ દિવસમાં કરવાનો હતો. તેના બદલે ૫ વર્ષથી આ કેસોનો નિકાલ આરબીટ્રેટરો દ્વારા કરવામાં આવતો નથી. સરકારે જે પરિપત્રો અને કાયદાને ધ્યાને રાખી સુરત-વલસાડ-નવસારી જિલ્લાના ખેડૂતોને પ્રતિ ચો.મી.એ ૭૦૦, ૮૦૦, ૧૦૪૦ રૃપિયા વળતર ચૂકવેલ છે. તેને ધ્યાને લઇ ભરૃચ અને વડોદરાના ખેડૂતોને વળતર ચુકવવું જોઇએ તેવી માગ કરી વિચાર મંચે કહ્યું છે કે જમીન ગુમાવનાર ખેડૂતોને પ્રતિ ચો.મી.ના રૃા.૫૦૦ ચુકવવા પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર તૈયાર નથી. આવનાર લોકસભાની ચૂંટણીમાં ભરૃચના ૩૧ ગામોના ખેડૂતોએ કલેકટરને ચુંટણીકાર્ડ પરત કરેલ છે. વડોદરા જિલ્લાના ખેડૂતો પણ ટૂંક સમયમાં મીટીંગ બોલાવી ચૂંટણીકાર્ડો કલેકટરને પરત કરવાનો નિર્ણય લઇ આંદોલનના મંડાણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.


Google NewsGoogle News