Get The App

ભારત માલા પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો ફરી મેદાને : લડત માટે બેઠક મળી

Updated: May 24th, 2023


Google NewsGoogle News
ભારત માલા પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો ફરી મેદાને : લડત માટે બેઠક મળી 1 - image


જિલ્લાના ૪૬ ગામોની જમીનમાંથી પસાર થતા

રીસર્વેની કામગીરી દરમિયાન ખેડૂતોને સાથે નહીં રાખવામાં આવ્યા હોવાની પણ રજૂઆત ઃ દર પાંચ કિલોમીટરે ગરનાળું મુકવાની નીતિ સામે રોષ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના ૪૬ ગામોમાંથી પસાર થતા ભારત માલા પ્રોજેક્ટરને લઈ ખેડૂતો ફરી મેદાને આવ્યા છે અને રીસર્વેની કામગીરી દરમિયાન તંત્ર દ્વારા ખેડૂતોને સાથે નહીં રાખી ખેડૂતોનું હિત ના જળવાય તે રીતે નિર્ણયો લેવામાં આવ્યા હોવાથી રોષ જોવા મળ્યો છે અને ગઈકાલે સાંજે ઉનાવા ખાતે ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં આગામી સમયમાં આ પ્રોજેક્ટને લઈને ફરીથી આંદોલન શરૃ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી અને મુંબઈને જોડતા ભારત માલા પ્રોજેક્ટ માટે ગાંધીનગર જિલ્લાના ૪૬ ગામોની જમીન સંપાદિત કરવામાં આવી હતી. ઘણા સ્થળોએ આ પ્રોજેક્ટ માટે કામગીરી પણ શરૃ કરી દેવામાં આવી હતી ત્યારે ગાંધીનગર જિલ્લાના ખેડૂતો દ્વારા આ પ્રોજેક્ટના વિરોધમાં આંદોલન શરૃ કરવામાં આવ્યું હતું અને સરકાર પ્રોજેક્ટ માટે ખેતીલાયક જમીનને સંપાદિત કરી ખેડૂતોનું નુકસાન કરી રહી હોવાનું આક્ષેપ પણ કર્યો હતો. આ માટે ગાંધીનગરમાં પણ એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા હતા ત્યારે આ વિરોધને પગલે સરકાર દ્વારા આ વિસ્તારમાં રી સર્વે કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે રી સર્વે દરમિયાન સવા સો વીઘા જેટલી જમીન જ કપાત માંથી બહાર રાખવામાં આવી છે. વળી આ સર્વે દરમિયાન ખેડૂતોના પ્રશ્નોને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા અને તેમની જાણ બહાર સર્વે કરી દેવામાં આવ્યો હતો જેને લઇ ખેડૂતોમાં ફરીથી રોષ જોવા મળી રહ્યો છે અને ગઈકાલે ગાંધીનગરના ઉનાવા ખાતે આ અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં ચારે તાલુકાના ખેડૂતોને એકઠા કરી ભારત માલા પ્રોજેક્ટ મુદ્દે ફરીથી લડત શરૃ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ચાર તાલુકાના ખેડૂતો દ્વારા પ્રથમ આવેદનપત્રો આપવામાં આવશે અને ત્યારબાદ ગાંધીનગરમાં એકઠા થઈને રજૂઆત કરવાનું પણ નક્કી કરાયું હતું. આગામી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોનું આંદોલન વર્તમાન સરકારને નડી પણ શકે છે ત્યારે સરકાર હવે ખેડૂતના હિતમાં શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.


Google NewsGoogle News