વીજ જોડાણના ધાંધિયાથી કંટાળેલો ખેડૂત છેવટે અધિકારીને પગે લાગ્યો
વડોદરાઃ છેલ્લા બે વર્ષથી વીજ કનેક્શનના ધાંધિયાના કારણે પરેશાન એક ખેડૂત વીજ કંપનીની ઓફિસમાં અધિકારીને રીતસર પગે લાગ્યા હતો.જેનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
શહેર નજીક સુંદરપુરા ગામમાં ફાર્મ ધરાવતા નિશાંતભાઈ પટેલનુ કહેવુ હતુ કે, મને લાગે છે કે, હું અંગ્રેજોના જમાનામાં જીવુ છું.કારણકે બે વર્ષથી લાઈટના ધાંધિયાના કારણે હેરાન થઈ રહ્યો છું.હું વીજ કંપનીની જાંબુવા ખાતેની ઓફિસમાં ધક્કા ખાઈ રહ્યો છું.મેં ત્યાં સુધી પણ કહ્યુ છે કે, તમારા કર્મચારીઓને લાવવા અને લઈ જવાનુ કામ પણ હું કરી લઈશ.અથવા તો મને કહી દો કે અમારી પાસે માણસો નથી.
નિશાંતભાઈનુ કહેવુ છે કે, અત્યારે જે કનેક્શન આપ્યુ છે તેના ઠેકાણાં જ નથી.ઘણીવાર એક એક સપ્તાહ સુધી લાઈટ બંધ રહે છે.કેટલીક વખત એટલા લો વોલ્ટેજ હોય છે કે, પંખો પણ સાવ ધીમો ચાલે છે.હું રજૂઆત કરુ છું તો કહે છે કે, તમારુ ખેતીવાડીનુ જોડાણ છે અને તેમાં આવુ જ હોય.હું ભણેલો ગણેલો અને સંપન્ન વ્યક્તિ છું પણ ધક્કા ખાઈને કંટાળી જવાથી હું ડેપ્યુટી એન્જિનિયર ડી ઈ રાઠોડને આજે પગે લાગ્યો હતો.લાઈટો વગર માણસો રહેવા માટે તૈયાર નથી.આવુ જ ચાલ્યુ તો મારે ખેતી પણ વેચી દેવી પડશે.
બીજી તરફ વીજ કંપનીના સત્તાવાર સૂત્રોએ કહ્યુ હતુ કે, ગ્રાહકના ખેતરમાં ત્રણ મકાનો છે.જેમાં શ્રમજીવીઓ રહે છે.ત્રણ વર્ષથી વીજ જોડાણ નહીં અપાતુ હોવાની રજૂઆત ખોટી છે.આ ખેડૂતને એગ્રીકલ્ચર ફિડરમાંથી કનેક્શન અપાયેલુ છે.જોડાણ પરનુ ડીપી નમી ગયુ હતુ અને તા.૧૪ જૂનના રોજ તેનુ સમારકામ કરાયુ હતુ.તા.૨૪ના રોજ ભારે વરસાદના કારણે વીજ પૂરવઠો ખોરવાયો હતો.જે સવારે ૧૦-૩૦ વાગ્યે શરુ થઈ ગયો હતો.