વડોદરા શહેર જિલ્લામાં રોગચાળો વકર્યો: ડેન્ગ્યુથી ખેડૂતનું મોત
વડોદરા,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર
વડોદરા શહેર-જિલ્લામાં વકરેલા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં દિવસેને દિવસે દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. આ વચ્ચે ગઈકાલે ડેન્ગ્યુના કારણે 55 વર્ષીય ખેડૂતનું સયાજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થયું હતું.
છેલ્લા ઘણા સમયથી શહેર તેમજ જિલ્લામાં મચ્છરોના કારણે ચિકનગુનિયા, ડેન્ગ્યુ વગેરે જેવા મચ્છરજન્ય રોગો કર્યા છે. આ વચ્ચે ફોગીંગની કામગીરી સદંતર બંધ થઈ ગઈ છે. જેને કારણે અનેક જગ્યાએ મચ્છર ઉત્પત્તિ સ્થાનો મળી આવેલ રહ્યા છે પરંતુ બીજી તરફ પાલિકા અને જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ સબ સલામત હોવાના દાવા કરવા સાથે ઓછા આકડા જાહેર કરી રહ્યું હોવાની વ્યાપક બૂમ ઉઠવા પામી છે.
વડોદરા શહેરની સાથોસાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વાવર ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. જેને કારણે લોકો ગંભીર સ્વાસ્થ્યને લગતી બીમારીમાં સપડાઇ રહ્યા છે. આ વચ્ચે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રોપા ગામના ૫૫ વર્ષીય ખેડૂતની ચાલી રહેલી અન્ય સારવાર સાથે તેઓ ડેન્ગ્યુના સંક્રમણમાં આવ્યા હતા. જે બાદ તેમનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું. તેઓને ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. તેમને ગત મંગળવારના રોજ રાત્રે અચાનક ખેંચ આવી ગઈ હતી. દર્દીની શારીરિક તકલીફ વધી જતા ગઈકાલે સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવારના ગણતરીના કલાકોમાં દર્દીએ અંતિમ શ્વાસ લીધો હતો. પરિવારના સભ્યની ટૂંકી સારવારમાં મૃત્યુ થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ગ્રામ વિસ્તારમાં ઘર સર્વેક્ષણ દરમિયાન 32296 ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળી આવ્યા હતા.