વરસાડાના ખેડૂત ભાઇઓની ધમકી આજે આજે મારી લાઇટ ચાલુ નહીં કરો તો ઝાડ પર લટકાવીને જાનથી મારી નાંખીશ

લાઇટ ચાલુ કરવા ગયેલા વીજ કંપનીના લાઇનમેન ધમકી આપતા પોલીસ ફરિયાદ

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
વરસાડાના ખેડૂત ભાઇઓની ધમકી  આજે આજે મારી લાઇટ ચાલુ નહીં  કરો તો ઝાડ પર લટકાવીને જાનથી મારી નાંખીશ 1 - image

વડોદરા,એમ.જી.વી.સી.એલ.ના લાઇનમેનને જાતિ અપમાનિત શબ્દો કહી મારી નાંખવાની ધમકી આપતા વરસાડાના બે ખેડૂત ભાઇઓ સામે વરણામા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ છોટાઉદેપુરના અને હાલમાં જાંબુવા સ્વામિ નારાયણ મંદિરમાં રહેતા જેઠાભાઇ લલ્લુભાઇ રાઠવા એમ.જી.વી.સી.એલ. જાંબુવામાં લાઇનમેન તરીકે નોકરી કરે છે. વરણામા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા સબ ડિવિઝન હસ્તકના દોલતપુરા ગામની સીમમાં ચિંતનભાઇ કાંતિભાઇ  પટેલ તથા અર્પણ કાંતિભાઇ પટેલ ( બંને રહે. વરસાડા) નું ખેતર છે. જે ખેતરમાં ખેતીના  ઉપયોગ માટેનું વીજ કનેક્શન છે. ગત તા.૨૦ મી એ સવારે સાડા નવ વાગ્યે હું જાંબુવા ઓફિસે હાજર હતો. તે દરમિયાન અર્પણે મને ફોન કરી ગાળો બોલી કહ્યું હતું કે, દોલતપુરા ગામની સીમમાં આવેલા અમારા ખેતરનું વીજ જોડાણ બંધ છે. તમે આવીને લાઇટ કનેક્શન ચાલુ કરો. મેં તેઓને કહ્યું કે, અમે તે બાજુ જ આવીએ છીએ. અર્પણે મને કહ્યું કે, તમારે બીજે કશે જવાનું નથી. પહેલા અહીંયા આવીને મારી લાઇટ ચાલુ કરો. ત્યારબાદ હું તથા મારી સાથે નોકરી કરતા હેલ્પર અરવિંદભાઇ નાગજીભાઇ રાઠવા દોલતપુરા ગામની સીમમાં તેઓના ખેતરમાં ગયા હતા.ત્યાં ખેતર પર અર્પણ પટેલ હાજર હતા. તેઓએ મને કહ્યું કે, લાઇટ ચેક કરો. અમે લાઇટ ચેક કરતા પાવર આવતો નહતો. મેં સબ સ્ટેશનમાં પૂછતા જાણવા મળ્યું કે, લાઇન ફોલ્ટમાં છે. મેં અર્પણભાઇને કહ્યું કે, મારે જાંબુવા જવું પડશે. અને ત્યાંથી લાઇન ચેક કરતા આવવું  પડશે તો ફોલ્ટનો ખ્યાલ આવશે. ત્યારબાદ ચિંતનભાઇ આવ્યા હતા. ગાડીમાંથી ઉતરતા જ તેઓ મને ગાળો બોલવા લાગ્યા હતા. જાતિ અપમાનિત શબ્દો બોલી કહેવા લાગ્યા હતા કે, તમે અમારૃં કામ કેમ કરતા નથી ? તેઓ કમરનો બેલ્ટ કાઢી મને મારવા માટે મારી પાછળ દોડયા હતા. પરંતુ, હું દોડી જતા મને વાગ્યું નહતું. તેઓએ છેડતીની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી. તેમજ કહ્યું કે, આજે મારી લાઇટ ચાલુ નહીં  કરો તો ઝાડ પર લટકાવીને જાનથી મારી નાંખીશ.


Google NewsGoogle News