ફેક્ટરી માલિકના ઘરે મોડી રાત્રે પરિવારજનોને બાનમાં લઇ લૂંટ
લૂંટારૃં ટોળકી સોનાના ૨૦ તોલા દાગીના, બે કિલો ચાંદી અને રોકડા અઢી લાખ લૂંટીને ફરાર
વડોદરા,આજવા રોડની નવજીવન સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિક ના ઘરે મોડી રાત્રે ત્રણ વાગે ચાર બુકાની ધારી લૂંટારાઓ ત્રાટક્યા હતા . મેન રોડ પર આવેલા મકાનમાં અંદર ઘૂસીને પરિવારને મારક હથિયારો વડે બાનમાં લઈ ૨૦ તોલા સોનાના દાગીના, બે કિલો ચાંદી અને અઢી લાખ રોકડા રૃપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા.
શહેરમાં ચોરી કરતી ગેંગ ફરતી હોવાની અફવાઓની વચ્ચે ગઈકાલે વારસિયા વિસ્તારમાં એક યુવકને ટોળાએ રહંેસી નાખ્યો હતો. હજી આ ગુનામાં આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જ બીજી એક ઘટના આજવારોડના ભરચક વિસ્તાર બની છે. આજવા રોડની નવજીવન સોસાયટીમાં રહેતા અશોકભાઈ સિંઘલા સરદાર એસ્ટેટમાં ફેક્ટરી ચલાવે છે. ગઈકાલે રાત્રે અશોકભાઈ તેમના પત્ની તથા પુત્ર અમન ઘરમાં સૂતા હતા. મોડી રાત્રે ૩ વાગ્યે કાર લઈને આવેલા ચાર લૂંટારાઓ કમ્પાઉન્ડ કૂદીને અંદર આવી રસોડાના દરવાજાનું ઇન્ટરલોક તોડી અંદર ઘુસ્યા હતા. જે બેડરૃમમાં પરિવાર સૂતો હતો તે બેડરૃમના દરવાજાનું પણ ઇન્ટરલોક તોડી નાખ્યું હતું અને પરિવાર કંઈ સમજે તે પહેલા જ તલવાર અને ખંજર જેવા હથિયારો વડે પરિવારને બાનમાં લીધો હતો. તિજોરી તોડીને ૨૦ તોલા સોનાના દાગીના , બેડના કબાટમાં મૂકેલી બે કિલો ચાંદી તથા રોકડા અઢી લાખ રૃપિયા લૂંટી લીધા હતા. પરિવારજનોએ શરીર ઉપર પહેરેલા દાગીના પણ લંૂટારાઓએ ધમકાવીને ઉતારી લીધા હતા પરિવાર કરગરતો રહ્યો હતો. લૂંટની ઘટનાને અંજામ આપીને માત્ર ૧૦ મિનિટમાં લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા.
એક કલાકથી આંટા ફેરા કરતા લૂંટારાઓની કાર સીસીટીવીમાં દેખાઇ
વડોદરા,લૂંટારાઓ જે કાર લઇને આવ્યા હતા. તે કાર નજીકમાં રોડ પર ફિટ કરેલા સીસીટીવીમાં નજરે પડે છે. લૂંટારાઓ એક કલાકથી આ વિસ્તારમાં આંટા ફેરા મારી રેકી કરતા હતા. પરંતુ, સીસીટીવીમાં કારનો નંબર દેખાતો નથી. લૂંટારાઓએ અગાઉથી જ આ મકાનને ટાર્ગેટ બનાવ્યું હોવાની શંકા છે. લૂંટારાઓ હિન્દી ભાષા બોલતા હતા. જે રીતે ગણતરીની મિનિટોમાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. તે જોતા લૂંટારાઓ જાણભેદૂ હોવાની શક્યતા પોલીસ સેવી રહી છે.
પાડોશીએ આવીને બેડરૃમનો દરવાજો ખોલી પરિવારને બહાર કાઢ્યો
વડોદરા, પરિવાર તરત ઘરની બહાર નીકળીને બૂમાબૂમ ના કરે તે માટે લૂંટારાઓ ભાગતા સમયે બેડરૃમનો દરવાજો બહારથી બંધ કરીને ગયા હતા. લૂંટારાઓ હુમલો કરીને ઇજા ના પહોંચાડે તે માટે જે - તે સમયે પરિવારજનોએ બૂમાબૂમ પણ કરી નહતી. લૂંટારાઓ ભાગ્યા પછી તેમણે પાડોશીને કોલ કરીને જાણ કરતા પાડોશીએ પોલીસને કોલ કર્યો હતો અને તેમના ઘરે જઇ બેડરૃમનો દરવાજો ખોલ્યો હતો. પોલીસની ગાડી પણ તરત આવી ગઇ હતી. લૂંટારાઓ કિશનવાડી તરફ ભાગ્યા હોવાની માહિતી મળતા પોલીસે એર મેસેજ પાસ કરી તમામ પોલીસને જાણ કરી હતી. પરંતુ, લૂંટારાઓ ભાગી છૂટયા હતા.
જે વિસ્તારમાં ચોરી થઇ નથી ત્યાં લૂંટ થતા લોકોમાં ભયનો માહોલ
વડોદરા,આજવા રોડની નવજીવન સોસાયટીનો વિસ્તાર સલામત ગણાય છે. આ વિસ્તારમાં ક્યારેય મોટી ચોરી થઇ નથી. તેવા સંજોગોમાં લૂંટારાઓએ મચાવેલા આતંકથી વિસ્તારમાં ભયનો માહોલ છે. બે વર્ષ અગાઉ આ વિસ્તારમાં ચોર ટોળકી બાઇક લઇને ફરતી હોવાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૃ કરવામાં આવ્યું હતું. તેમજ હોમગાર્ડ જવાનોનો પોઇન્ટ ગોઠવવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે વિસ્તારમાં એવી માંગ ઉઠી છે કે, ફરીથી પોલીસનો પોઇન્ટ આ વિસ્તારમાં મૂકવામાં આવે.