સયાજી હોસ્પિટલના આઇ.સી.યુ.માં છત પડતા દોડધામ
બેડ પર સૂતો દર્દી ડાયાલિસિસ કરાવવા ગયો હોવાથી આબાદ બચાવ
વડોદરા,સયાજી હોસ્પિટલમાં બીજા માળે આઇ.સી.યુ. માં પીઓપીની છત પડી હતી. જોકે, દર્દી બેડ પર નહીં હોવાથી તેનો બચાવ થયો હતો. બનાવના પગલે દર્દીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, સયાજી હોસ્પિટલમાં બીજા માળે આઇ.સી.યુ.માં આજે સાંજે પીઓપીની છત અચાનક તૂટીને બેડ પર પડી હતી. ધડાકો થતા દર્દીના સ્વજનો અને હોસ્પિટલનો સ્ટાફ દોડી આવ્યો હતો. જોકે, આઇ.સી.યુ.માં દાખલ દર્દી ડાયાલિસિસ માટે ગયો હોવાથી તેનો બચાવ થયો હતો. પીઓપી તૂટીને પડવાથી બેડને પણ નુકસાન થયું હતું. બનાવના પગલે આઇ.સી.યુ.માં દાખલ દર્દીઓને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતા.