નકલી એન.એ. પ્રકરણમાં દાહોદ સિટિ સર્વે કચેરીના શિરસ્તેદાર અને મેન્ટેનન્સ સર્વેયરની ધરપકડ
પ્રોસિજર ફોલો કર્યા વગર સરકારી જમીનના પ્રાઇવેટ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવાયા : રામુ પંજાબીનું નામ ખૂલ્યું
દાહોદ દાહોદમાં બહુચચત નકલી એન.એ. પ્રકરણમાં આખરે સરકારી કર્મચારીઓ ફરતે કાયદાનો ગાળિયો કસાવવાનો સિલસિલો શરૃ થયો પામ્યો છે.દાહોદ પોલીસે સિટિ સર્વે કચેરીમાં ફરજ બજાવતા શિરસ્તેદાર તેમજ મેન્ટેન્સ સર્વેયરનેી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદના નકલી એન.એ. પ્રકરણમાં અલગ અલગ સરકારી કચેરીઓમાં નકલી એન.એ.ના ઓર્ડર તેમજ નકલી હુકમોના આધારે બનાવટી પ્રોપર્ટી કાર્ડ ઉભા કરી છેતરપિંડી કરવામાં આવી હતી. આ કૌભાંડમાં ચાર જુદી જુદી ફરિયાદો દાખલ થઈ હતી. જેમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા સિટિ સર્વે કચેરીમાં પ્રોસિજર ભંગ થઈ હોવાનું તેમજ સત્તા બહારના હુકમો થયા હોવાનું સામે આવ્યું હતું.પોલીસે ઉપરોક્ત ફરિયાદોમાં તપાસ હાથ ધરતા સિટિ સર્વે કચેરીમાં શિરસ્તેદાર તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર.કે. પરમાર તેમજ મેન્ટેન્સ સર્વેયર રાહુલ ચાવડા દ્વારા પ્રોસિજરના આધારે દસ્તાવેજોના આધારે ફક્ત ઓનલાઇન કરવાની સત્તા હોવા છતાં રામુ પંજાબી જોડે લિંક કરી સરકારી જમીનને પ્રાઇવેટ વ્યક્તિના નામે કરી કરી દીધી હતી. ઉપરોક્ત બંને કર્મચારીઓએ સત્તા બહાર જઈ બોગસ દસ્તાવેજોના આધારે નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી તેને સાચા તરીકે રજૂ કરી રેકર્ડમાં જનરેટ કરી હોવાનું સામે આવતા પોલીસે બંને કર્મચારીઓની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.
સરકારી પડતર, ખરાબા અને પોસ્ટની જમીન ખાનગી વ્યક્તિના નામે કરી દેવાઇ
દાહોદ તાલુકાના રળીયાતી પાસે આવેલી સર્વે નંબર ૫૫૪ જે સરકારી જમીન હતી. આ સરકારી જમીનને રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી જોડે લિંકમાં રહી પ્રાઇવેટ વ્યક્તિના નામે કરી સરકાર જોડે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે. કે રેવન્યુ સર્વે નંબર ૫૫૪ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે જેમાં એક ભાગ સરકારી પડતર, એક ભાગ ખરાબો તેમજ ત્રીજો ભાગ પોસ્ટ ઓફિસના નામે ચાલે છે.ઉપરોક્ત ભેજાબાજોએ ત્રણે ભાગમાં વહેંચાયેલી આ સરકારી જમીનને પ્રાઇવેટ વ્યક્તિના નામે નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી હોવાનું સામે આવ્યું છે.
રેવન્યુ ડિપાર્ટમેન્ટે ત્રણને ફરજમોકૂફ કર્યા છે
નકલી એન.એે. પ્રકરણમાં તપાસના ધમધમાટ વચ્ચે સિટિ સર્વે કચેરીમાં ફરજ બજાવતા અને પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા દિનેશકુમાર પરમારને ફરજમોકૂફ કરી અમરેલી, રાહુલ ચાવડાને ગીર સોમનાથ મોકલવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક અમિત ભાભોર ને વલસાડ ખાતે ફરજ મોકૂફીનું સ્થળ આપવામાં આવ્યું છે.