લોકસભા વડોદરા બેઠકના ઉમેદવારના નામથી ઇન્સ્ટાગ્રામ પર ભેજાબાજ દ્વારા બોગસ એકાઉન્ટ : સાઇબર ક્રાઇમને જાણ કરી
Fake Instagram Account : લોકસભા વડોદરા બેઠકના ઉમેદવાર હેમાંગ જોશીના નામથી કોઈ ભેજા બાજે ઇન્સ્ટાગ્રામ પર નકલી એકાઉન્ટ શરૂ કરી દેતા તેની જાણ ઉમેદવારને થતા તેમણે ફેસબુક એકાઉન્ટ પર આ અંગે જાણ કરી હતી.
વડોદરાના ઉચ્ચ અધિકારી હોય કે રાજકારણી હોય તેના નામથી કેટલાક ભેજા બાજો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામનું નકલી એકાઉન્ટ ખોલી પૈસાની માંગણી કરી જાણીતા લોકો સાથે ઠગાઈ કરતા હોવાના અનેક કિસ્સા સાયબર ક્રાઇમમાં નોંધાયા છે. તાજેતરમાં વડોદરાના તત્કાલીન મેયર અને હાલના ધારાસભ્યના નામથી કોઈ ભેજા બાજે એકાઉન્ટ શરૂ કરી પૈસાની માંગણી કરી હતી. તેમાં વડોદરા કોર્પોરેશનના એક અધિકારીએ તો તાત્કાલિક 50000 ટ્રાન્સફર પણ કરી દીધા હતા આવા કિસ્સા અવારનવાર બની રહ્યા છે. ત્યારે હવે ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીના નામનું કોઈ ભેજા બાજે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શરૂ કરી દેતા વિવાદ સર્જાયો છે આ અંગેની જાણ તેમને થતા તુરંત જ તેમણે તેમના ફેસબુક એકાઉન્ટ પર આની જાણકારી મૂકી દીધી છે અને લોકોને બોગસ એકાઉન્ટ હોવાની જાણ કરી કોઈ મેસેજ કે કોઈ નાણાકીય વ્યવહાર નહીં કરવા જણાવ્યું છે.