પહેલા અને બીજા સેમમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ત્રીજા સેમમાં પ્રવેશ નહીં અપાય
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં અત્યાર સુધી પહેલા વર્ષમાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ અપાતો હતો પણ ગત વર્ષે અલગ અલગ ફેકલ્ટીઓમાં નવી શિક્ષણ નીતિના ભાગરુપે શરુ થયેલા ચાર વર્ષના ઓનર્સ પ્રોગ્રામમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પહેલા અને બીજા સેમેસ્ટરમાં એક પણ વિષયમાં નાપાસ હશે તો તેમને ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ નહીં મળે.
બીજી તરફ તમામ ફેકલ્ટીઓએ ઓનલાઈન ફી ભરવાની કાર્યવાહીમાં વિલંબ થયો હોવાથી બે મહિનાથી ત્રીજા સેમેસ્ટરનું શિક્ષણ શરુ કરી દીધું છે.આમ ગયા વર્ષે પહેલા કે બીજા સેમેસ્ટરમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ અત્યાર સુધી સ્પષ્ટતાના અભાવે ત્રીજા સેમેસ્ટરનો બે મહિનાથી અભ્યાસ કરી રહ્યા છે.
નવા નિયમનો અમલ થાય તો ૨૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ ત્રીજા સેમેસ્ટરમાં આગળ ભણી નહીં શકે.જેમાં સૌથી વધારે ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં છે. જેના કારણે વિદ્યાર્થીઓ બીજા સેમેસ્ટરમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા લેવાની માગ કરી રહ્યા છે.
ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયનનું કહેવું છે કે, કોમર્સ ફેકલ્ટી તાત્કાલિક નાપાસ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લે.કારણકે બીજી કેટલીક ફેકલ્ટીઓએ નવા નિયમને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા લીધી છે.જ્યારે કોમર્સ ફેકલ્ટીમાં બીજા સેમેસ્ટરનુ પરિણામ જુલાઈ મહિનામાં આવી ગયા બાદ આવી કોઈ હિલચાલ થઈ રહી નથી. પૂરક પરીક્ષા વહેલી તકે નહીં લેવાય તો વિદ્યાર્થીઓનુ એક વર્ષ બગડશે.આ અંગે જાણકારી મેળવવા માટે કોમર્સ ફેકલ્ટી ડીનનો વારંવાર પ્રયત્ન પછી પણ સંપર્ક થઈ શક્યો નહોતો.