અકોટા બ્રિજ પર કારે ચાર યુવક-યુવતીઓને ફંગોળવાનાે બનાવ 5 ફૂટ દૂરથી જોનાર યુવક હજી દ્શ્ય ભૂલી શકતો નથી
બાઇકની સાથે પટકાયેલો યુવક બે હિચકી ખાઇ શાંત થઇ ગયો,છોકરી રીતસરની ઉછળીને પછડાઇ
વડોદરાઃ અકોટા બ્રિજ પર તાજેતરમાં ફુલ સ્પીડે કાર ચલાવી બાઇક અને સ્કૂટર પર બેઠેલા ચાર યુવક-યુવતીઓને અડફેટમાં લઇ એક યુવકનું મોત નીપજવાના બનેલા ગોઝારા બનાવમાં ચમત્કારિક રીતે બચી ગયેલો યુવક હજી દ્શ્યો યાદ કરીને ધુ્રજી ઉઠે છે.
દાંડિયાબજાર થી અકોટા તરફ જતાં સોલાર પેનલ પુરી થયા બાદ આવતા ઢાળ પર એક સપ્તાહ પહેલાં રાત્રિના સવા બારેક વાગ્યાના અરસામાં ગોઝારો એક્સિડેન્ટ થયો હતો.જેમાં પૂરઝડપે કાર હાંકી રહેલા કલ્પ પંડયાએ સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં આકાશ નામના એમબીએના વિદ્યાર્થીનું મોત થયું હતું.જ્યારે ત્રણ વિદ્યાર્થિનીને ઇજા થઇ હતી.
આ બનાવમાં પાંચ ફૂટ દૂર પાળી પર બેઠેલા મુનિર ઇસ્માઇલભાઇ શેખ નામના કાર્યકરનો અદ્ભૂત બચાવ થયો હતો.કારની બ્રેક વાગતાં જ મુનિરભાઇનું ધ્યાન ગયું હતું.કાર સાઇડમાં જતી હોવાથી તેને કાબૂમાં લેવા માટે ચાલકે સ્ટિઅરિંગ ફેરવ્યું હતું અને તે સાથે જ બાઇક પર બેઠેલા એક યુવક અને યુવતીને અડફેટમાં લીધા હતા.યુવક તો નીચે પટકાઇને બે હિચકી ખાઇને ઠંડો પડી ગયો હતો.જ્યારે યુવતી રીતસરની ઉછળીને પટકાઇ હતી.
મુનિરભાઇનું કહેવું છે કે,આ જ રીતે સ્કૂટર પરથી પટકાયેલી વિદ્યાર્થિની હું અહીં ક્યાં આવી,પહેલીવાર આવી ને મારી સાથે આવું બન્યું..તેમ કહીને રડતી હતી.એક મહિલા તેના પગમાં દુપટ્ટો બાંધી રહી હતી.મેં ૧૨.૨૬ કલાકે ૧૦૮ને ફોન કરીને મદદ માંગી હતી.પરંતુ ત્યાર પહેલાં એક કારચાલક મદદે આવ્યો હતો અને ઇજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો.કાર્યકરે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી આ રોડ પર અકસ્માતો રોકવા સ્પીડબ્રેકર મુકવા માંગણી કરી છે.