વડોદરામાં ખંડણીખોરોને કોઈ ડર રહ્યો નથી : ખંડણીની ફરિયાદ નોંધાવનાર મહિલા અને તેના પરિવારને જાનનું જોખમ
- જામીન પર છૂટેલા આરોપીએ ફરિયાદીના પુત્રને ધમકી આપી
વડોદરા,તા.25 નવેમ્બર 2023,શનિવાર
જુગારનો ધંધો કરતી મહિલા પાસેથી સાપ્તાહિકના ઓથા હેઠળ ખંડણી ઉઘરાવી તેનો નિર્વાસ્ત્ર વિડીયો વાયરલ કરવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓએ મહિલાના પુત્રને જાનથી મારી નાખવાની તેમજ એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
પરિવારનું ગુજરાન ચલાવવા માટે જાંબુવા વિસ્તારમાં ચોરી છૂપીથી આંકડાનો ધંધો કરતી મહિલાએ રાજ્ય પોલીસ વડા સમક્ષ રજૂઆત કર્યા બાદ મકરપુરા પોલીસે મહિલાની ફરિયાદ નોંધી હતી. શરૂઆતથી જ મકરપુરા પોલીસ ખંડણીખોરોની તરફેણમાં કામ કરતી હોવાનું લાગતું હતું. છેવટે ગુનો દાખલ કરવાની ફરજ પડતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓ પૈકી એક આરોપી અક્ષય સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ 24 કલાક માટે છૂટી જતા ફરી બેફામ બન્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા શૈલેષ પરમાર અને અક્ષય સોલંકી મહિલાના પુત્રને આંતરિ જાનથી મારી નાખવાની તેમજ એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. વાડી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.