ફેક્ટરી માલિકનું નવું સીમકાર્ડ કઢાવી 9.73 લાખ રૃપિયાની ઉચાપત

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
ફેક્ટરી માલિકનું નવું સીમકાર્ડ કઢાવી 9.73 લાખ રૃપિયાની ઉચાપત 1 - image


સાયબર ગઠિયાઓનો આતંક યથાવત

અચાનક કાર્ડ બંધ થઈ ગયા બાદ તપાસ કરતા નવું કાર્ડ ઇસ્યુ થઈ ગયું હોવાનું ખુલ્યું ઃ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર જિલ્લામાં વધતી જતી સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ વચ્ચે સાંતેજ ખાતે ફેક્ટરી ધરાવતા અમદાવાદના રહીશ સાથે ૯.૭૩ લાખ રૃપિયાની ઉચાપત થવા પામી છે. તેમના નામે નવું સીમકાર્ડ ઈશ્યૂ કરીને ગઠિયાઓએ બેંકમાંથી રૃપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. હાલ આ અંગે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

સાંતેજ ખાતે પ્લાસ્ટિકની ફેક્ટરી ધરાવતા અને અમદાવાદના સાયન્સ સિટી ખાતે કલ્હાર એક્ઝોટિકામાં રહેતા રમેશભાઈ ભીમજીભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મોબાઈલનો નંબર અમદાવાદના વટવા ખાતે આવેલી ખાનગી બેન્કના ખાતા જોડે લિન્ક થયેલો છે. ગત ૬ આગસ્ટ ૨૦૨૨ના રોજ ફોનમાં નેટવર્ક મળતું ન હતું. બીજા દિવસે સવારે તેમણે નવું સિમકાર્ડ ચાલુ કરાવવા માટે મોબાઈલ સવસ પ્રોવાઈડર કંપનીમાં પ્રોસેસ હાથ ધરી હતી. સાંજ સુધી સિમકાર્ડ ચાલુ નહીં થતાં તેમણે કંપનીમાં પૂછપરછ કરી હતી, જેમાં જાણવા મળ્યુ હતું કે, આ નંબરનું નવું સિમકાર્ડ ત્રણ દિવસ પહેલા ઈશ્યૂ થઈ ગયું છે અને એક્ટિવ પણ છે. જેથી રમેશભાઈએ કસ્ટમર કેરમાં વાત કરીને નજીકના સ્ટોરમાંથી નવું સિમકાર્ડ મેળવ્યું હતું. સિમકાર્ડ ચાલુ કર્યા બાદ તેમણે મોબાઈલ સાથે લિન્ક થયેલા બે બેંક ખાતા ચકાસ્યા હતા, પરંતુ તેમાં કોઈ ફ્રોડ થયું હોવાની વિગત મળી ન હતી. બાદમાં ૯ મી ઓગસ્ટનાં રોજ સવારે બેંકના કેટલાક મેસેજ આવ્યા હતા. બીજી બાજુ ફેક્ટરીના નેટ બેંકિંગનો પાસવર્ડ લોક થઈ ગયો હતો. તેમણે બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કર્યા હતા. જેમાં વટવા ખાતે આવેલી બેંક શાખામાંથી પાંચ ટ્રાન્ઝેક્શન થયા હતા. ૮ ઓગસ્ટના  રોજ કુલ રૃ.૯.૭૩ લાખ ખાતામાંથી ઉપડી ગયા હતા. જેનાં પગલે રમેશભાઈએ તરત જ ફેક્ટરીના બંને એકાઉન્ટ ફ્રિઝ કરાવી દીધા હતા. ત્યારબાદ આ અંગે ગાંધીનગર સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News