આજવા રોડ પર ચપ્પુ તથા તલવારની અણીએ ગુંડાગીરી કરી હપ્તો ઉઘરાવતા માથાભારે તત્વો
નવજીવન બસ સ્ટેન્ડથી મહાવીર હોલ ચાર રસ્તા વચ્ચે આરોપીઓનો આતંક ઃ એક ઝડપાયો, બીજાની શોધખોળ
વડોદરા,આજવા રોડ પર લારી લઇને ઉભા રહેતા શ્રમજીવીઓ પાસેથી ચપ્પુ તથા તલવારની અણીએ રૃપિયા પડાવી ગુંડાગીરી કરતા બે માથાભારે શખ્સ સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી એકને ઝડપી પાડયો છે. જ્યારે અન્યની શોધખોળ શરૃ કરી છે.
કિશનવાડી વુડાના મકાનની બાજુમાં સવિતા પાર્ક સોસાયટીમાં રહેતા નિર્ભાનસિંહ જયસિંહ પાલ આજવા રોડ નવજીવન બસ સ્ટેન્ડ પાસે ફ્રૂટની લારી ચલાવે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું સવારે દશ વાગ્યે લારી લગાવું છું અને રાતે દશ વાગ્યે લારી બંધ કરૃં છું. ગત તા.૮મી એ બપોરે બાર વાગ્યે હું મારી ફ્રૂટની લારી પર હતો. તે દરમિયાન સુફિયાન સૈયદ તથા જાફર ઘાંચી આવ્યા હતા. મારી લારી પાસે તેઓએ સ્કૂટર ઉભું રાખી ચપ્પુ કાઢ્યું હતું. જાફરે મને કમરમાંથી પકડી લીધો હતો અને સુફિયાને ચપ્પુની અણી મારા પેટના ભાગે મૂકી ધમકી આપતા કહ્યું હતું કે, પૈસા લાવ નહીંતર ચપ્પુ મારી દઇશ. તેણે બળજબરીથી મારા પેન્ટના ખિસ્સામાંથી ૧,૨૦૦ રૃપિયા કાઢી લીધા હતા. બંને આરોપીઓએ એવી ધમકી આપી હતી કે,જો પોલીસમાં ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાંખીશ.
તેઓએ અંબર કોમ્પલેક્સની આગળ બાદામ જયપ્રકાશ પાલની લારીએ જઇને ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી આપી એક હજાર રૃપિયા કાઢી લીધા હતા.
ગઇકાલે બપોરે જાફર અને સુફિયાર તલવાર લઇને આવ્યા હતા. મેં બૂમાબૂમ કરતા અન્ય લારીઓવાળા ભેગા થઇ જતા આરોપીઓ ભાગી ગયા હતા.
૧૫ દિવસથી લારીઓવાળાને ધમકાવી હપ્તા ઉઘરાવતા હતા
વડોદરા,ફ્રૂટની લારીવાળાએ પોલીસને જણાવ્યું હતું કે, છેલ્લા પંદર દિવસથી સુફિયાન સૈયદ તથા જાફર ઘાંચી આજવા રોડ નવજીવન બસ સ્ટેન્ડથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી ઉભા રહેતા લારીઓવાળા બાદામ પાલ પાસેથી એક હજાર, પાતીરામ પાલી પાસેથી દોઢ હજાર, રોહિતકુમાર સીંગ પાસેથી બે હજાર, સુજીત ભૈયાલાલ સીંગ પાસેથી ૨,૪૦૦, તથા મારી પાસેથી ૧,૨૦૦ રૃપિયા લઇ ગયા હતા. અમારા ઉપરાંત અન્ય લારીઓવાળા પાસેથી પણ આરોપીઓ પૈસા લઇ ગયા હતા.