વડોદરા થી ભરૂચ સુધી ગ્રીન એક્સપ્રેસ-વેનું 87 કિલોમીટર કામ પૂર્ણ થયા બાદ મુંબઈ સુધીનો ભાગ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે
- વડોદરા થી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે
- 87 કિલોમીટરના પૂર્ણ થયેલા કામ પાછળ 9900 કરોડનો ખર્ચ
વડોદરા,તા.23 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નવસારીથી ગુજરાતમાં દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસ વેના વડોદરા થી ભરૂચ સુધીમાં 87 કિલોમીટર લાંબા ત્રણ પેકેજ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેના ત્રણ ભાગોનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. એમાં પહેલો ભાગ, 31 કિમી લાંબો મનુબરથી સાંપાનો છે, જેને રૂ.2400 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. બીજો ભાગ લગભગ 32 કિમી લાંબો સાંપાથી પાદરાનો છે, જેને રૂ.3200 કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો ભાગ 23 કિમી લાંબો પાદરાથી વડોદરાનો છે, જેને રૂ.4300 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આમ કુલ 9,900 કરોડનો ખર્ચ થયો છે. ગુજરાત સહિત પાંચ રાજ્યોમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે ની હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંદાજે રૂ. 98 હજાર કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલો આ 1380 કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. આ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાંથી પસાર થતા આ એક્સપ્રેસ વેમાં જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત શહેરની આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ના કામની શરૂઆત માર્ચ-2019 માં કરવામાં આવી હતી. તેની અગત્યની કડી રૂપે ગુજરાતમાં 423 કિલોમીટરનો એક્સપ્રેસ-વે કુલ રૂ. 35100 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. ગુજરાત દેશનું મોટું આર્થિક કેન્દ્ર છે. દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ સહિત અન્ય શહેરોને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્યભરમાં અનેક ઇન્ટરચેન્જની યોજના છે. આ એક્સપ્રેસ વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે દ્વારા રાજ્યની રાજધાની સાથે પણ જોડાશે.
ગુજરાતમાં 60 મોટા પુલ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને 8 રિવર ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે. બે કિ.મી લાંબો એક્સ્ટ્રાડોઝ કેબલ સ્પાન બ્રિજ, ભરૂચ નજીક નર્મદા નદી પર એક આઇકોનિક બ્રિજ એક્સપ્રેસ વે પર બાંધવામાં આવતો ભારતનો પ્રથમ 8 લેન પુલ હશે. વડોદરા-ભરૂચનો 87 કિલોમીટરનો વિસ્તારનું બાંધકામ પૂર્ણ થતાં આગામી સમયમાં મુંબઈ સુધીનો બાકીનો હિસ્સો ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે. જેનાથી વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે.આ નવા એક્સપ્રેસ-વે નું સંપૂર્ણ કામ પૂર્ણ થશે ત્યારે દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ 24 કલાકથી ઘટીને 12 કલાક થવાની ધારણા છે.