ગાંધી જયંતીએ ગાંધીજીના ઐતિહાસિક ઓરિજનલ ફોટોગ્રાફ્સનું પ્રદર્શન
ભારતના પ્રથમ અને દ્વિતીય રાષ્ટ્રપતિ અનુક્રમે રાજેન્દ્ર પ્રસાદ અને રાધાક્રિષ્નનના હસ્તાક્ષરો સાથેના ઓરિજનલ ફોટો પણ જોવા મળશે
વડોદરા : ફાયર આર્ટિસ્ટ કમલ રાણા પાસે ગાંધીજીના ૯ ઓરિજનલ ફોટોગ્રાફનું કલેક્શન છે. તા.૨જી ઓક્ટોબરે ગાંધી જયંતીની ઉજવણી થશે ત્યારે તેઓ આ ઓરિજનલ ફોટોગ્રાફ્સ લોકો જોઇ શકે તે માટે અલકાપુરી સ્થિત સર્જન આર્ટ ગેલેરીમાં પ્રદર્શન માટે મુકશે.
કમલ રાણા કહે છે કે 'મારી યુવા અવસ્થામાં હું ગાંધીજીના વિચારોથી અત્યંત પ્રભાવિત હતો. ૨૦ વર્ષ પહેલા મને જાણ થઇ કે વડોદરાના એક પરિવાર પાસે ગાંધીજીના કેટલાક ઓરિજનલ ફોટોગ્રાફ્સ છે. હું તેમને મળવા પહોંચ્યો અને ફોટોગ્રાફ્સ જોઇને અભિભૂત થઇ ગયો. તેમની પાસે ગાંધીજીના ૯ ઓરિજનલ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સ હતા. આ ફોટોગ્રાફ્સ તેમના પિતાએ મુંબઇથી કોઇની પાસેથી ખરીદ્યા હતા. ફોટોગ્રાફ્સ લગભગ ૯૦ વર્ષ જુના હતા.પરિવારે કહ્યું કે અમારે આ ફોટોગ્રાફ્સ વેચવા છે. તે સમયે મારી આર્થિક સ્થિતિ સારી નહતી. મારી પાસે માંડ રૃ.૭ હજારની બચત હતી. મે પાંચ હજારની ઓફર કરી અને તે લોકો માની ગયા. ગાંધીજીના અલગ અલગ સમયે લેવાયેલી આ તસવીરોમાં ઇતિહાસ પુનઃ જીવિત થઇ જાય છે.'
'જે રીતે મે ગાંધીજીના ફોટોગ્રાફ્સ મેળવ્યા હતા તે રીતે મારી પાસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિષ્નના પણ બે ફોટોગ્રાફ્સ છે તે ફોટોની ખાસિયત એ છે કે તેના પર બન્ને મહાનુભાવોના ઓરિજનલ હસ્તાક્ષરો પણ છે. આ બન્ને ફોટોગ્રાફ પણ પ્રદર્શનમાં મુકવામાં આવશે.'