પોલીસ આવાસ નિગમના કાર્યપાલક ઇજનેરે રૃા.૩૦ હજારની લાંચ લીધી
કોન્ટ્રાક્ટરે નિગમના એમડીને ફરિયાદ કરતાં કાર્યપાલક ઇજનેરે લાંચની રકમ પરત આપી દીધી
વડોદરા, તા.6 વડોદરામાં અકોટા પોલીસ લાઇન ખાતે આવેલી પોલીસ આવાસ નિગમ લી.ની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે એસીબીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કચેરીના મુખ્ય અધિકારી એવા કાર્યપાલક ઇજનેરે રૃા.૩૦ હજારની લાંચ લીધા બાદ લાંચની રકમ પરત કરી દીધી હોવાનું બહાર આવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે સરકારી વિભાગોમાં સિવિલનું કામ કરતાં એક કોન્ટ્રાક્ટરને ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ઓફિસર્સ ટોયલેટ, સ્ટાફ ટોયલેટ, કોમ્યૂનિટિ હોલમાં પેવરબ્લોક અને દંતેશ્વર ઓપન જેલ ખાતે ૧.૫ મીટરની વાયર ફેન્સિંગનું કામ ટેન્ડર દ્વારા મળ્યું હતું. ટેન્ડર મંજૂર કરતી વખતે કાર્યપાલક ઇજનેર જીગર અરવિંદભાઇ શાહે ૧ ટકા રકમની માંગણી કરી હતી જેથી હિસાબ મુજબ કોન્ટ્રાક્ટરે જીગર શાહની ઓફિસમાં જઇને એક કવરમાં ટકાવારીની રકમ આપી હતી.
વર્કઓર્ડર મળ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૃ કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસ આવાસ નિગમના અધિકારીઓ સ્થળ પર આવીને કામમાં ખામીઓ કાઢીને હેરાન કરતાં હતાં. આ હેરાનગતિથી કંટાળીને કોન્ટ્રાક્ટરે નિગમના એમડીને ફરિયાદ કરી હતી. આ ફરિયાદની અસર પડી હતી અને કાર્યપાલક ઇજનેર જીગર શાહે સાઇટ પર આવી કોન્ટ્રાક્ટરને લાંચની રકમ પરત કરી દીધી હતી.
ઉપરોક્ત લાંચિયા અધિકારીઓને પાઠ ભણાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા એસીબીમાં ફરિયાદ આપતા એસીબી દ્વારા ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ આવાસ નિગમની કચેરીમાં ભ્રષ્ટાચારની ટકાવારી
કાર્યપાલક ઇજનેરના ૨, નાયબ કાર્યપાલક ઇજનેરના ૧ અને એસઓના ૦.૫ ટકા
વડોદરા શહેર એસીબીમાં નોંધાયેલી લાંચની ફરિયાદમાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે પોલીસ આવાસ નિગમની કચેરીમાં કોઇપણ કામ કરવા માટે અધિકારીઓની પોસ્ટ મુજબ ટકાવારી નક્કી કરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર જીગર શાહે જણાવેલ કે જે કામનું બિલ બને તે બિલના ૦.૫થી ૨ ટકા સુધીની મર્યાદામાં કમિશન ચાલે છે. આ સિસ્ટમના ભાગરૃપે કમિશન પણ પોતાના માટે તથા પોતાના સ્ટાફ માટે આપવું પડશે.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે કાર્યપાલક ઇજનેરના ૨ ટકા, નાયબ કાર્યપાલક ઇજનેરનો ૧ ટકો અને મદદનીશ ઇજનેર એટલે કે એસઓના ૦.૫ ટકા કમિશન ચાલે છે.
પોલીસ આવાસ નિગમમાં અન્ય ઇજનેરો સામે પણ આક્ષેપો
ગુજરાત પોલીસ આવાસ નિગમની વડોદરા ખાતેની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારમાં અન્યની પણ સંડોવણી હોવાના આક્ષેપો કરેલા છે જેમાં જણાવાયું છે કે નાયબ કાર્યપાલક ઇજનેર આર.બી.માંગરોલીયા, દિવ્યેશ ચૌહાણ તેમજ એસઓ ગુરવ શુકલા અને પુર્વેશ પટેલ પણ કોન્ટ્રાક્ટરો પાસે ટકાવારી પ્રમાણે કમિશન લેતા હોય છે.