એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરે રૃા.૨૩.૨૬ લાખની કંપનીમાંથી ઉચાપત કરી
ખાનગી કંપનીના ભેજાબાજ ડાયરેક્ટરે લેપટોપ પણ પચાવી પાડયું
વડોદરા, તા.23 અટલાદરા વિસ્તારમાં આવેલી આંખની દવાની ખાનગી કંપનીના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરે કંપનીના એકાઉન્ટમાંથી બારોબાર રૃા.૨૩.૨૬ લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી કંપની સાથે છેતરપિંડી કરી હતી.
પાદરામાં સત્યમનગર ખાતે રહેતા મિતેષ જનકભાઇ ખરાદીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં રાજીવકુમાર સિંઘ (રહે.સાવિત્રી સદન, ત્રિમૂર્તિ મંદર પાસે, ધનબાદ, ઝારખંડ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અટલાદરારોડ પર નારાયણવાડી ખાતે એમ્સ પ્રોસપેરો કોમ્પ્લેક્સમાં એસ્ટા વિઝનકેર પ્રા.લી. કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરું છું જ્યારે રાજીવકુમાર સિંઘ કંપનીમાં એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતાં. તેમણે કંપનીએ એક લેપટોપ પણ આવ્યું છે. કંપનીનો તમામ ડેટા તેમજ હિસાબની વિગતો તેઓની પાસે રહેતી હતી અને કંપનીનો બેકિંગ વ્યવહાર નેટબેકિંગના અધિકાર પણ તેમને આપ્યા હતાં. તેઓ મહિનામાં એકાદ-બે વખત વડોદરા આવી ત્રણ-ચાર દિવસ રોકાઇને પરત જતા રહે છે.
મે-૨૪થી જુલાઇ-૨૪ સુધી અમારી કંપનીના ડાયરેક્ટર અરુણસિંહ વિદેશ હતા અને તેઓ પરત ફર્યા ત્યારે કર્મચારીઓએ ફરિયાદ કરી હતી કે અમને પગાર મળ્યો નથી જેથી મને એકાઉન્ટની તપાસ કરવા જણાવતા મેં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે રાજીવકુમાર સિંઘે કંપનીના એકાઉન્ટમાંથી પોતાના બેંક એકાઉન્ટમાં કુલ રૃા.૩૫.૦૧ લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ અંગે રાજીવકુમાર સિંઘે પોતે પણ કંપનીમાંથી ઉચાપત કરી હોવાની કબૂલાત બાદ રૃા.૧૧.૭૫ લાખ કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા જ્યારે રૃા.૨૩.૨૬ લાખ ટ્રાન્સફર કર્યા ન હતાં તેમજ લેપટોપ પણ પરત કર્યુ ન હતું.