વિદ્યાર્થીઓ તહેવાર ના ઉજવી શકે તે રીતે પરીક્ષાનું આયોજન થાય છે, લો ફેકલ્ટીના ડીન વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા
એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીના ડીન તહેવારોની ઉજવણી ના થઈ શકે તે રીતે પરીક્ષા અને બીજા શૈક્ષણિક આયોજન કરતા હોવાના સનસનીખેજ આક્ષેપ સાથે ના પોસ્ટર એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં ઠેર ઠેર કોઈએ લગાડતા ચકચાર મચી ગઈ છે.
આ પોસ્ટરોમાં કહેવામાં આવ્યું છે કે ફેકલ્ટીના ડીન અર્ચના ગડેગર વામપંથી વિચારધારા ધરાવે છે તેઓ તહેવારોના ઉજવી શકાય તે રીતે પરીક્ષાનું આયોજન કરે છે 18 તારીખે રક્ષાબંધન હતી અને ફેકલ્ટીમાં 20 અને 22 ઓગસ્ટે સબમીશન રખાયું હતું આ જ રીતે વિદ્યાર્થીઓ જન્માષ્ટમીના ઉજવી શકે તે માટે 24 ઓગસ્ટે મુટ કોર્ટ માટેનું સબમીશન રખાયું છે વિદ્યાર્થીઓ ગણેશ ઉત્સવમાં ભાગ ના લઈ શકે તે માટે 31 ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બર સુધી ઇન્ટર્નલ પરીક્ષાનું આયોજન થયું છે. નવરાત્રી દશેરા અને દિવાળીના તહેવારો ની ઉજવણીમાં વિદ્યાર્થીઓ સામેલ ના થઈ શકે તે રીતે એક થી 31 ઓક્ટોબર દરમિયાન કોર્ટમાં ઇન્ટર્નશિપ કરવાનું કહેવામાં આવ્યું છે પોસ્ટરોમાં ઉલ્લેખ કરાયો છે કે વાઈસ ચાન્સેલર ડાબેરી વિચારધારા ધરાવતા ડીનને હોદ્દા પરથી હટાવે.
આ અંગે પૂછતા ડીન અર્ચના ગડેકરે કહ્યું હતું કે હું એક અધ્યાપક છું અને મારે ફેકલ્ટીના શિક્ષણને પહેલી પ્રાથમિકતા આપવાની હોય છે. પરીક્ષા અને બીજા શિડયુલ ની તારીખો પહેલા પણ આ જ પ્રમાણે રાખવામાં આવતી હતી જ્યારે હું ડીન નહોતી. ફેકલ્ટીમાં પરીક્ષાનું પણ સમયસર આયોજન કરવું પડતું હોય છે. ઉપરાંત ફેકલ્ટીમાં ઉતરાયણ રાત્રી બી ફોર નવરાત્રી ધુળેટી જેવા તહેવારોની ઉજવણી થતી રહી છે.પરંતુ પરીક્ષા પહેલા હોય. પોસ્ટરો કોણે લગાવ્યા એ અંગે મને જાણકારી નથી. આ બાબતે યુનિવર્સિટી સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે જે પણ કાર્યવાહી કરવાની હશે તેનો નિર્ણય યુનિવર્સિટી સ્તરે લેવાશે.