યુનિ.ની લો ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ લાઈટો અને પંખા વગર પરીક્ષા આપી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની હાલમાં પરીક્ષા ચાલી રહી છે.લો ફેકલ્ટી ખાતે પણ તેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આજે પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હોવાથી ગરમીમાં વિદ્યાર્થીઓને લાઈટ અને પંખા વગર પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો.
કોમર્સની એસવાયની પરીક્ષાની બેઠક વ્યવસ્થા કોમર્સ તેમજ બીજી ફેકલ્ટીઓમાં પણ ગોઠવવામાં આવી છે.જેમાં લો ફેકલ્ટીનો પણ સમાવેશ થાય છે.વીજ કંપનીએ લો ફેકલ્ટી જયાં આવેલી છે તે ડોનર્સ પ્લાઝા(મહારાજા પ્રતાપસિંહરાવ પરિસર)વિસ્તારમાં આજે સમારકામના કારણે વીજ પુરવઠો સવારે સાત વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી બંધ રહેશે તેવી જાહેરાત અગાઉ કરી હતી.
જોકે આ બાબત સત્તાધીશોના ધ્યાનમાં નહીં આવી હોય કે પછી બીજા કોઈ કારણસર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી નહોતી.જેના કારણે વિદ્યાર્થીઓને આખી પરીક્ષા લાઈટ અને પંખા વગર આપવાનો વારો આવ્યો હતો.હાલમાં ચાલી રહેલા હીટવેવના કારણે સવારથી ગરમી શરુ થઈ જતી હોવાથી વિદ્યાર્થીઓની બીજી રીતે પણ પરીક્ષા લેવાઈ ગઈ હતી.કેટલાક વર્ગોમાં જ્યાં સૂર્યપ્રકાશ ઓછો આવતો હતો ત્યાં સરવાળે અંધારમાં પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો.
આ પહેલા લો ફેકલ્ટીના વોશરુમની દીવાલો પર વિદ્યાર્થીઓએ પરીક્ષા પહેલા જવાબો લખી દીધા હોવાનો વિવાદ સર્જાયો હતો અને સત્તાધીશોએ રાતોરાત દીવાલો પર વ્હાઈટ વોશ કરાવવા માટે યુનિવર્સિટીને અપીલ કરવી પડી હતી.