પૂરના કારણે કોમર્સમાં ટીવાયની પરીક્ષા એક સપ્તાહ પાછી ઠેલવામાં આવી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વિશ્વામિત્રીના પૂરના કારણે એક સપ્તાહ માટે રજા રાખવામાં આવી હતી.એ પછી પૂરના પાણી ઉતર્યા બાદ સફાઈના કારણે શિક્ષણ કાર્ય શરુ કરવામાં વિલંબ થયો હતો તેના કારણે હવે પરીક્ષાની તારીખોમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી રહી છે.
મળતી વિગતો પ્રમાણે સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયની ઈન્ટરનલ પરીક્ષાનો તા.૧૮ સપ્ટેમ્બરથી પ્રારંભ થવાનો હતો.આ પરીક્ષા હવે તા.૨૪ સપ્ટેમ્બરથી લેવાશે.વિદ્યાર્થીઓએ આ જ રીતે એસવાયની પરીક્ષાની તારીખોમાં પણ ફેરફાર કરવાની માગ શરુ કરી છે.
વિદ્યાર્થી સંગઠન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનનું કહેવું છે કે, ટીવાયની જેમ એસવાયની પરીક્ષા પણ પાછી ઠેલવાની જરુર છે.કારણકે વિદ્યાર્થીઓના લેકચર હજી આજથી જ શરુ થયા છે .અધ્યાપકો તો કોર્સ પૂરો કરી દેશે પણ વિદ્યાર્થીઓને વાંચવાનો સમય મળ્યો નથી.જો ટીવાયની પરીક્ષા પાછી ઠેલી શકાતી હોય તો એસવાયની પરીક્ષાની તારીખોમાં પણ ફેરફાર થઈ શકે તેમ છે.
સાથે સાથે એફવાયનુ શિક્ષણ ૧૨ ઓગસ્ટથી શરું કરાયું છે પણ વિદ્યાર્થીઓને હજી સુધી સ્ટડી મટિરિયલ નહીં અપાયું હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ પડી રહી છે.