સરકારી વીજ કંપનીઓની પરીક્ષા વિવાદમાં, મેઈન પરીક્ષા માટે માત્ર ૨૯૦૦ ઉમેદવારો શોર્ટ લિસ્ટ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
સરકારી વીજ કંપનીઓની પરીક્ષા વિવાદમાં,  મેઈન પરીક્ષા માટે માત્ર ૨૯૦૦  ઉમેદવારો શોર્ટ લિસ્ટ 1 - image

વડોદરાઃ ગુજરાત સરકારની પાંચ સરકારી વીજ કંપનીઓમાં જુનિયર એન્જિનિયરની ૩૯૪ જેટલી જગ્યાઓ ભરવા માટેની પ્રવેશ પરીક્ષાને લઈને વિવાદ સર્જાયો છે.આ પરીક્ષા આપનારા ઉમેદવારોએ આજે વડોદરા ખાતે જીયુવીએનએલની હેડ ઓફિસની બહાર દેખાવો કર્યા હતા.બીજી તરફ ઉમેદવારોને મળવા માટે જીયુવીએનએલના અધિકારીઓએ ઈનકાર કરી દીધો હતો.

આ ઉમેદવારોની સાથે આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે કહ્યુ હતુ કે, ૩૯૨ જગ્યાઓ માટે ૧૮૦૦૦ ઉમેદવારોએ અરજી કરી હતી.આ પૈકી ૧૨૦૦૦ જેટલા ઉમેદવારોએ પ્રાઈમરી પરીક્ષા આપી હતી.હવે મેઈન પરીક્ષા તા.૨ ઓગસ્ટના રોજ લેવાશે.આ પરીક્ષા માટે ૨૯૦૦ જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે.આ માટે વીજ કંપનીના સત્તાધીશો જીએસઓ ૩ના નિયમનો હવાલો આપીને કહી રહ્યા છે કે, એક પોસ્ટ સામે પાંચ ઉમેદવારને શોર્ટ લિસ્ટ કરવાનો રેશિયો જાળવવામાં આવ્યો છે.જોકે જીએસઓ -૩નો આ નિયમ ઈન્ટરવ્યૂ માટે છે.જ્યારે જીયુવીએનએલ દ્વારા લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે.ઉપરાંત યુપીએસસી અને જીપીએસસી સહિતની કોઈ પણ સરકારી વિભાગમાં પ્રિલમ પરીક્ષા બાદ મેઈન પરીક્ષામાં ઉપલબ્ધ બેઠકો સામ ે શોર્ટ લિસ્ટ કરવામાં આવતા  ઉમેદવારોની સંખ્યા અનેક ગણી વધારે હોય છે.આમ જીયુવીએનએલના અધિકારીઓ પોતાના જ નિયમો બનાવીને મનમાની ચલાવી રહ્યા છે.

તેમણે કહ્યુ હતુ કે,  જીયુવીએનએલના અધિકારીઓએ તો રજૂઆત સાંભળવા માટે મળવાનો જ ઈનકાર કરી દીધો હતો.આ પ્રકારે પરીક્ષા લેવા સામે અમે આંદોલન કરીશું અને શક્ય બનશે તો કોર્ટમાં પણ અપીલ કરીશું.

અધિકારીએ ઉધ્ધતાઈથી વાત કરી હોવાનો આક્ષેપ

તું કોણ છે કહેવાવાળો, શું કામ આવ્યા છો, મારે કોઈ ચર્ચા કરવી નથી

અધિકારી સામે ઊર્જા મંત્રીને અને ધારાસભ્યોને રજૂઆત કરવાની ચીમકી

ઉમેદવારોની સાથે આવેલા યુવરાજ સિંહે કહ્યુ હતુ કે, જીયુવીએનએલના અધિકારીએ  સિક્યુરિટી કેબિન પર જ ફોન કરીને ઉમેદવારોને મળવાની ના પાડી દીધી હતી.આ જ ઉમેદવારો અગાઉ બે વખત તેમને મળ્યા હતા ત્યારે તેમણે રજૂઆત સાંભળી હતી અને તે વખતે પણ કોઈ વિદ્યાર્થી નેતાઓ કે રાજકીય નેતાઓને મળતા નહીં તેવી સલાહ આપી હતી.આજે ઉમેદવારોની સાથે હું તેમને મળવા માટે ગયો હતો.ફોન પર તેમણે મારી સાથે ઉધ્ધતાઈભર્યુ વર્તન કર્યુ હતુ.તેઓ તુ..તા પર ઉતરી આવ્યા હતા અને કહયુ હતુ કે, મારે કોઈ ચર્ચા કરવી નથી અને તું કોણ છે અમને કહેવા વાળો...?હું આ અધિકારી સામે ઉર્જા મંત્રીને રજૂઆત કરવાનો છે અને આ માટે જરુર પડે તો ધારાસભ્યને પણ સાથે રાખીશ.ગુજરાત સરકારમાં અધિકારીઓ બેફામ બની ગયા છે તેનુ ઉદાહરણ  આ અધિકારીએ પૂરુ પાડયુ હતુ.



Google NewsGoogle News