ચેતનબાલવાડીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની સ્કૂલના બાળકો માટે એપ બનાવી
કક્કો, નંબર, રંગ, આકારના વીડિયો દર્શાવતી એપ ગુજરાતીમાં તૈયાર કરી
વડોદરા: એમ.એસ.યુનિ.ની ચેતનબાલવાડીમાં ભણેલા અને હાલ ધો.૬ અને ૯માં ભણતા સુમેધ અને આદિત્ય કાપડીયા પોતાની જ સ્કૂલના નર્સરી અને કેજીના બાળકો માટે બારાક્ષરી, નંબર, રંગ, આકારને લગતા વીડિયો ધરાવતી એપ ગુજરાતીમાં તૈયાર કરી છે.
ચેતન બાલવાડીના શિક્ષક પ્રિતિ ધરપલેએ કહ્યું કે વર્ષ ૨૦૨૦ કોરોનાના કારણે બાળકો માટે પડકારરુપ હતું. શાળા બંધ હોવાથી બાળકો રચનાત્મક પ્રવૃતિમાં જોડાયેલા રહે તે માટે વાલીઓ ઘણી મહેનત કરતા હતા.
ચેતન બાલવાડીમાં નર્સરીમાં ભણતો સમર્થ કાપડીયા અને તેના બંને ભાઈઓ સુમેધ અને આદિત્યને તેના પપ્પાએ ઈન્ટરનેટ પર એપ્લિકેશન બનાવવા માટેનું કોડીંગ શીખવાડયું હતું. જેનો ઉપયોગ કરી ત્રણેય વિવિધ રમતો પણ બનાવી હતી. દરમિયાન લોકડાઉનમાં અમે બાળકો માટે જે પ્રવૃતિઓ કરાવતા તેનો અંગ્રેજીમાં વીડિયો તૈયાર કર્યો હતો.
ત્યારબાદ મેં તેમને ગુજરાતીમાં બાલવાડીના બાળકો માટે કક્કો, રંગ, આકાર, અંક વગેરેનો વીડિયો બનાવી એપ તૈયાર કરવાનું કહેતા ત્રણેયે ખૂબ ઉત્સાહપૂર્વક બનાવી આપી હતી. આ એપની યુનિ. દ્વારા મંજૂરી મળ્યા બાદ બાલવાડીમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ વિનામૂલ્યે એપ ડાઉનલોડ કરી શકશે.