માજી સરપંચ જ સેવાસી પંથકના લોકોને નશાના રવાડે ચડાવતો હતો
રાજસ્થાનના સપ્લાયર માંગીલાલની પણ શોધખોળ કરતી પોલીસ
વડોદરા, તા.29 વડોદરા નજીક સેવાસીમાં એક ઘરમાં અફીણ અને પોશડોડાનું વેચાણ કરતાં માજી સરપંચ સહિત બે શખ્સોનીવધુ પૂછપરછ માટે કોર્ટમા ંરજૂ કરી પોલીસે બંનેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સેવાસી હાઇસ્કૂલ પાછળ જિલ્લા એસઓજીએ દરોડો પાડી એક ઘરમાંથી અફીણ અને પોશડોડાનો જથ્થો ઝડપી પાડી સેવાસીના માજી સરપંચ રાજેન્દ્ર ઉર્ફે રાજુ ભાઇલાલ પટેલ અને શંકર રામસીંગ રબારીની ધરપકડ કરી હતી.ઘરમાં તપાસ કરતાં કબાટની બાજુમાં મૂકેલી થેલીઓ અને બોક્સમાં અફીણ તેમજ પોશડોડાનો જથ્થો મળ્યો હતો. પોલીસે રૃા.૧.૩૫ લાખ કિંમતનો ૧ કિલો ૩૫૦ ગ્રામ અફીણ અને રૃા.૪૨૩૦ કિંમતનો ૧ કિલો ૪૧૦ ગ્રામ પોશડોડાનો જથ્થો, બે મોબાઇલ અને રોકડ રૃા.૫ હજાર મળી કુલ રૃા.૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દરમિયાન આજે બંનેને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે નશાકારક જથ્થો રાજસ્થાનના માંગીલાલે પહોંચાડયો હોવાની વિગતો ખૂલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. સેવાસી પંથકના લોકોને નશાના રવાડે ચડાવનાર માજી સરપંચ જ મુખ્ય આરોપી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.