માંજલપુર પો.સ્ટે.ના તત્કાલીન પીઆઇ સિંધીની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ
પોલીસે કબજે કરેલી બે ગાડી છોડાવવા માટે હાલ નિવૃત્ત પીઆઇએ લાંચ માંગી હતી ઃ એસીબીનું છટકું નિષ્ફળ ગયું હતું
વડોદરા, તા.8 વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઇ ઝેડ. એમ. સિંધીએ પોલીસે કબજે કરેલા બે વાહનો છોડવા માટે વર્ષ-૨૦૧૯માં માંગેલી રૃા.૩૦ હજારની લાંચ અંગે એફએસએલ પુરાવાના આધારે લાંચની માંગણીનો ગુનો નોધાયા બાદ એસીબીએ પીઆઇની પણ ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે માંજલપુર વિસ્તારમાં રહેતો યુવાન મિત્રોની ઝાયલો તેમજ સ્વીફ્ટ ડિઝાયર જેવી ગાડીઓ ભાડે ફેરવવા માટે આપતો હતો. આવી જ બે ગાડી અન્ય મિત્રોને ભાડે ફેરવવા માટે આપી હતી અને ભાડે લેનાર મિત્રોએ ગાડી ગીરવી મૂકી દીધી હતી. જેથી મિત્રો પાસેથી ગાડી પરત મેળવવા માટે માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જો કે બાદમાં લક્ષ્મીપુરા પોલીસે ગાડીઓ કબજે કરી માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપી હતી.
આ ગાડીઓ છોડાવવા માટે યુવાન માંજલપુર પોલીસ સ્ટેશનના તે સમયના પીઆઇ ઝહુરહુસેન મોટામિયાં સિધી (રહે.પાટણ)ને મળ્યા હતાં ત્યારે પીઆઇએ એક ગાડીના રૃા.૧૫ હજાર પૈકી બે ગાડીના રૃા.૩૦ હજારની માંગણી કરી હતી. આ અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં આવતાં એસીબી દ્વારા તા.૨૬ જુલાઇ ૨૦૧૯ના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું પરંતુ પીઆઇને એસીબીના છટકાની ગંધ આવી જતાં તેમણે લાંચની રકમ લીધી ન હતી જેથી છટકું નિષ્ફળ જાહેર થયું હતું.
લાંચની માંગણી અંગે બાદમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ઓડીયો સહિતનું રેકોર્ડિંગ એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું જેમાં લાંચના પુરાવાને સમર્થન મળતાં આ અંગે ગઇકાલે વડોદરા શહેર એસીબી દ્વારા હાલ નિવૃત્ત પીઆઇ ઝેડ.એમ. સિંધી સામે રૃા.૩૦ હજારની લાંચ માંગવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મદદનીશ નિયામક પી.એચ. ભેંસાણિયાના માર્ગદર્શન હેઠળ નોંધાયેલા ગુનામાં છોટાઉદેપુર પીઆઇ કે.એન. રાઠવાએ માંજલપુરના નિવૃત્ત પીઆઇની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં જેલમાં મોકલી દેવાયા હતાં.