Get The App

માંજલપુરમાં પૂર્વ પતિએ યુવતી પર ચપ્પુના ઘા કરતા ગંભીર ઘાયલ

સવારે અમદાવાદ જવા નીકળતી યુવતીને પૂર્વ પતિએ રોકી મોઢા, ગળા અને પીઠ પર ચપ્પાના ઘા કર્યા

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
માંજલપુરમાં પૂર્વ પતિએ યુવતી પર ચપ્પુના ઘા કરતા ગંભીર ઘાયલ 1 - image

વડોદરા, તા.22 શહેરના માંજલપુર વિસ્તારમાં બહેનના ઘેર આવેલી અમદાવાદની હોસ્ટેલમાં વોર્ડન તરીકે નોકરી કરતી મૂળ છોટાઉદેપુર જિલ્લાની યુવતી સાથે તેના પૂર્વ પતિએ આજે સવારે ઝઘડો કરી મોઢા તેમજ શરીરના અન્ય ભાગે ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.

આ અંગેની વિગત એવી છે કે ક્વાંટ તાલુકાના મંકોડીગામે કોઠારી ફળિયામાં રહેતા ગુણવંત રાઠવાની ૨૮ વર્ષની પુત્રી પાર્વતીના લગ્ન જેતપુરપાવી તાલુકાના કરસન ગામમાં રહેતા રાજેન્દ્ર રસુલ રાઠવા સાથે થયા હતાં. લગ્ન બાદ પાર્વતીએ એક પુત્રને જન્મ આપ્યો છે. પતિ રાજેન્દ્ર સાથે ઝઘડા થતા હોવાથી થોડા સમય પહેલાં જ છૂટાછેડા લીધા હતાં. પાર્વતી હાલ અમદાવાદમાં સિલત ચોકડી પાસે એલ.એન. હોસ્ટેલમાં વોર્ડન તરીકે નોકરી કરી ત્યાં જ રહે છે.

તા.૧૫ના રોજ પાર્વતી અમદાવાદથી પિતાના ઘેર આવી હતી અને તા.૨૧ના રોજ પુત્રને માતા સજ્જનબેન પાસે છોડીને ગઇરાત્રે વડોદરામાં માંજલપુરમાં અલવાનાકા વિસ્તારમાં શિકોતરનગરમાં રહેતી બહેન સરસ્વતીના ઘેર આવી હતી. આ વખતે તેની પાછળ પાછળ તેનો પૂર્વ પતિ રાજેન્દ્રએ પણ આવીને ઝઘડો કર્યો હતો જો કે બેન અને બનેવીએ રાજેન્દ્રને સમજાવીને પોતાના ઘેર જ રોકી રાખ્યો હતો. 

આજે સવારે પાર્વતી અમદાવાદમાં નોકરી પર જવા માટે નીકળી ત્યારે રાજેન્દ્રએ તેને રોકી તું અમદાવાદ ના જઇશ તેમ કહી ફરી ઝઘડો કર્યો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. દરમિયાન ઉશ્કેરાઇને રાજેન્દ્રએ ઝપાઝપી કરી પાર્વતીના મોઢા પર ચપ્પુનો ઘા કર્યો હતો જ્યારે તેને રોકવા જતા ગળા, પીઠ અને બગલના ભાગે પણ ઉપરાછાપરી ચપ્પાના ઘા માર્યા હતાં. બૂમાબૂમ થતા લોકો ભેગા થઇ જતા રાજેન્દ્ર ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




Google NewsGoogle News