સાળંગપુર કષ્ટભંજન દેવ સંસ્થાના દાનના 2 કરોડ હડપ કરનાર પૂર્વ ક્રિકેટર રિશિ અરોઠેનો પત્તો નથી
વડોદરાઃ સાળંગપુર કષ્ટભંજન દેવ સંસ્થાને મળેલી દાનની રકમ હડપ કરી જનાર વડોદરાના પૂર્વ ક્રિકેટર રિશિ અરોઠેનો હજી પત્તો લાગ્યો નથી.
પ્રતાપગંજમાં રહેતા પૂર્વ રણજી પ્લેયર તુષાર અરોઠેના પુત્ર રિશિ અરોઠેને ત્યાંથી એસઓજીએ રૃ.૧.૩૯ કરોડની રોકડ કબજે કરતાં આ રકમ ઇવેન્ટની હોવાનું કહી રિશિએ પોલીસને ગોળગોળ ફેરવી હતી.દરમિયાનમાં રિશિની રાવપુરા અને માંજલપુરના છેતરપિંડીના ગુનામાં ધરપકડ થઇ હતી અને તે જામીન પર છૂટયો હતો.
રાજસ્થાનના કોટા ખાતેના વડતાલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રિશિ અરોઠેએ સંસ્થાને સાળંગપુર મંદિરના મહોત્સવ માટે મળેલા રૃ.૨ કરોડ નાસિક ખાતે આંગડિયા મારફતે મોકલવાની જવાબદારી લીધા બાદ તેણે આ તમામ રકમ વગે કરી હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસ માટે બાકીની રકમ કબજે લેવા કવાયત કરવામાં આવી રહી છે.
જો કે સંસ્થા દ્વારા વડોદરા પોલીસનો સંપર્ક કરવામાં વિલંબ થયો હતો.જેને કારણે રિશિ અરોઠે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.રિશિને શોધવા માટે પોલીસની ત્રણ ટીમો કામે લાગી છે.જે પૈકી એક ટીમે મહારાષ્ટ્રમાં પડાવ નાંખ્યો હોવાની માહિતી મળી છે.