પોસ્ટલ બેલેટ અને ઇવીએમના મતોની એકસાથે ગણતરી કરાશે
મતગણતરી સ્ટાફની વિધાનસભા બેઠક મુજબ ફાળવણીની પ્રક્રિયા મતગણતરીના દિવસે થશે
વડોદરા, તા.૧ વડોદરા લોકસભા બેઠક માટે તા.૪ જૂનના રોજ પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી થવાની છે. મત ગણતરી પ્રક્રિયાના સંચાલન માટે ૨૭ કમિટીની રચના કરવામાં આવી છે.
આ કમિટિના સભ્યો સાથે નિવાસી અધિક કલેક્ટરે એક બેઠક યોજીને જરૃરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મતગણનામાં જોડાનારા સ્ટાફનું અંતિમ રેન્ડમાઇઝેશન વહેલી સવારે કરવામાં આવશે. એ બાદ ક્યાં કર્મચારીને કઇ વિધાનસભા મત વિસ્તારમાં જવાનું છે? ખ્યાલ આવશે. વિધાનસભાનો વિસ્તાર ફાળવાયા બાદ જરૃર પડે તો ગણતરીદારોને ટૂંકી તાલીમ આપવામાં આવશે. જેથી ગણતરીની સમગ્ર પ્રક્રિયા સુગમતાથી ચાલી શકે.
સવારના આઠ વાગ્યાથી મતગણતરી શરૃ થશે. એ પૂર્વે ઉમેદવારો અને તેના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં નિયમાનુસાર પ્રક્રિયા મુજબ ઇવીએમના સ્ટ્રોંગ રૃમ ખોલવામાં આવશે. પોસ્ટલ બેલેટ અને ઇવીએમના મતોની એક સાથે ગણના કરવામાં આવશે. પોલિટેકનિક ખાતે કાઉન્ટિંગ હોલની વ્યવસ્થા બાબતે તેમણે વિગતો આપતા કહ્યું કે, સાવલી, વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણી તથા લોકસભા, વડોદરા શહેરની બીજા માળે, સયાજીગંજ, અકોટા અને રાવપૂરાની પ્રથમ માળે, ભોંય તળિયે માંજલપુરની ગણતરી કરવામાં આવશે. કાઉન્ટિંગ હોલમાં પ્રવેશ માટે એજન્ટ અને સ્ટાફ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
મતગણતરી કેન્દ્ર ખાતે સમિતિમાં કાયદો અને વ્યવસ્થા, જાહેરનામા અને મંજૂરી, પાકગ, આંકડાકીય સંકલન, માઇક્રો ઓબ્ઝર્વર સંકલન, પોસ્ટલ બેલેટ, ઇટીબીપીએસ, એન્કોર, ટેકનિકલ જેવી સમિતિઓનો સમાવેશ થાય છે.