ગીત સંગીતમાં બધુ ટ્રેન્ડ આધારિત હોય છે, પણ ગરબાનો ટ્રેન્ડ ક્યારેય જૂનો થયો નથી : મનહર ઉધાસ

ગુજરાતી ગઝલ ગાયકીના બાદશાહ મનહર ઉધાસ કહે છે કે મને મારી ગાયકી ઉપર ગર્વ છે તેના કરતા પણ વધુ ગર્વ એ થાય છે કે મારી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં પહોંચાડી

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
ગીત સંગીતમાં બધુ ટ્રેન્ડ આધારિત હોય છે, પણ ગરબાનો ટ્રેન્ડ ક્યારેય જૂનો થયો નથી : મનહર ઉધાસ 1 - image


વડોદરા :  સોમવારે છેલ્લા નોરતે વડોદરા આવેલા સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર અને ગુજરાતી ગઝલ ગાયક મનહર ઉધાસે કહ્યું હતું કે 'જિંદગીના આ તબક્કે મને એટલુ સમજાય છે કે સફળતા કે નિષ્ફળતા એ માણસના હાથની વાત નથી. બધુ ઇશ્વરની ઇચ્છા અને આશીર્વાદથી જ થાય છે.'

હિન્દી, ગુજરાતી, પંજાબી અને બંગાળી સહિત ૩૦૦થી વધુ ફિલ્મોમાં અને ૩૫થી વધુ ગુજરાતી ગઝલ આલ્બમમાં અવાજનો જાદુ પાથરનાર મનહર ઉધાસ હવે ૮૦ વર્ષના થયા છે પરંતુ તેઓની સ્ફૂર્તિ ગજબની છે. 'મનહરભાઇ કહે છે કે આજે પણ સવારે ૫.૩૦ વાગ્યે ઉઠી જઉ છું. સવારે ૩ કલાક રિયાઝ કરૃ છું. દિવસ દરમિયાન જો કોઇ કામ ના હોય તો વધુ બે ત્રણ કલાકનો રિયાઝ કરૃ છું. મને મારી ગાયકી ઉપર ગર્વ છે તેના કરતા પણ વધુ ગર્વ મને એ થાય છે કે મારી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં પહોંચાડી. હું વિમાન હોઉ કે વિદેશમાં શો કરતો હોઉ એવા અનેક ચાહકો મળે છે કે જે ગુજરાતી નથી હોતા છતા પણ મારી પાસે આવીને કહે છે કે ' નયન ને બંધ રાખીને...' ગઝલ અમે અનેક વખત સાંભળી છે. તમારા વડોદરાના જ કવિ મુકેશ માલવણકરની પણ મે અનેક રચનાઓ ગાઇ છે જેમાંથી 'દીકરી મારી લાડકવાયી...' તો વિશ્વપ્રસિધ્ધ બની. '

ગુજરાતી ગઝલ ગાયન ક્ષેત્રમાં અત્યારે શુન્યઅવકાશ જેવી સ્થિતિ સર્જાવાનું કારણ શું ? તેના જવાબમાં મનહરભાઇએ કહ્યું કે 'બધુ ઇશ્વરને આધીન છે. કોઇ સ્થાન ખાલી નથી રહેતું. રાતો રાત એવો કોઇ અવાજ આવશે અને લોકપ્રિય થઇ જશે. મારા ઉપર પણ ઇશ્વરના જ આશીર્વાદ જ છે. મે હિન્દી ફિલ્મોમાં પ્લેબેક કર્યુ ત્યારે મને કોઇ જાણતુ નહતું. હવે મારા પછી પ્લેબેકમાં ત્રણ પેઢી આવી ગઇ. નવા ગાયકો નવા ટ્રેન્ડ પ્રમાણે ગાઇ રહ્યા છે. પહેલાના સમયમાં ફિલ્મોના પ્રોડયુશરો અને ડાયરેક્ટરોમાં પણ સંગીતની સમજ હતી. બધુ ટ્રેન્ડ આધારીત છે. ટ્રેન્ડ સેટ થાય છે. લોકોને ગમે છે. પછી લોકો તે ટ્રેન્ડને નકારે છે એટલે નવી પેઢી આવે છે અને નવો ટ્રેન્ડ શરૃ કરે છે. પણ તમે જુવો કે ગુજરાતમાં ગરબાનો ટ્રેન્ડ ક્યારેય જુનો નથી થયો' ઉલ્લેખનીય છે કે મનહર ઉધાસનું આજે મા શક્તિ ગરબામાં સન્માન કરવામાં આવ્યુ હતું.


Google NewsGoogle News